વડોદરા, તા. 27
વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી – વુડાની બજેટ અંગેની રિવાઇઝ બેઠક મંગળવારના રોજ મળી હતી જેમાં શહેરના વિકાસના વિવિધ કામોને બહાલી આપવામાં આવી છે. વુડાના ચેરમને દિલીપ રાણાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેટલાક કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે અને તે અંગેની ગ્રાન્ટ માટે રાજ્ય સરકાર સમક્ષ પ્રોજેક્ટ રિપોર્ટ રજુ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવા માટે તેમજ ખટંબા ખાતે તળાવના વિકાસ માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. જે ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસેથી લેવામાં આવશે. વડોદરા મહાનગરપાલીકાનું બજેટ મજુર થયા બાદ શહેરના વિકાસ અંગેનો રોડ મેપ પ્રજા સમક્ષ આવી ગયો છે. શહેરના રોડ રસ્તા, ડ્રેનેજ લાઈનો, પાણીની લાઈનો તેમજ બેગ બગીચાઓ સહિતના વિકાસના કામો મહાનગરપાલિકાના બજેટમાં સમાવી લેવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળની બજેટ લક્ષી સભા મંગળવારના રોજ મળી હતી. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરા ખાતે યોજાયેલ 259 મી બોર્ડ બેઠકમાં વિવિધ પ્રવૃત્તિ માટે લેવાયેલ બોર્ડ બેઠકના મુદ્દાઓની વિગતવાર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા. ચેરમેન દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી. ખાસ કરીને આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા હતા. અને તેને બહાલી આપવામાં આવી હતી. શહેર ચારે તરફ વિકસી રહ્યું છે ત્યારે વુડા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રોજેક્ટ મુકવામાં આવ્યા છે. શહેરમાં 52 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ વિકસાવવામાં આવશે. ખટંબા ખાતે 13 કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવશે. તો ભાયલી વિસ્તારમાં આવેલી કાંસને સ્લેબથી ઢાંકવાનું પણ કામ મુકવામાં આવ્યું છે જેનો ખર્ચ 22 કરોડ મુકવામાં આવ્યો છે. વહીવટી મંજૂરી મળ્યા બાદ આ અંગેનો પ્રોજેક્ટ રિપોર્ટ સરકાર સમક્ષ મુકવામાં આવશે.
52 કરોડના ખર્ચે સ્પોટ્સ સંકુલનું નિર્માણ કરાશે
By
Posted on