ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ પેરિસ ઓલિમ્પિક 2024માં તીરંદાજીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન મેળવ્યું છે. ભારત માટે પુરુષોની ટીમમાં ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય, પ્રવીણ જાધવે સારી રમત રમી અને સચોટ લક્ષ્યાંકો પ્રાપ્ત કયા હતા. બીજી તરફ ભારતીય મહિલા તીરંદાજ અંકિતાએ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે 666 પોઈન્ટ સાથે 11મા નંબરે છે. ભજન કૌર 659 પોઈન્ટ સાથે 22મા ક્રમે અને દીપિકા કુમારી 658 પોઈન્ટ સાથે 23મા ક્રમે છે.
ભારતીય પુરુષ ટીમ તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી છે. ટીમે કુલ 2013 સ્કોર બનાવ્યો છે. ભારત માટે ધીરજ બોમ્માદેવરાએ 681 વ્યક્તિગત સ્કોર, તરુણદીપ રાયે 674 વ્યક્તિગત સ્કોર, પ્રવીણ જાધવે 658 વ્યક્તિગત સ્કોર હાંસલ કર્યો છે. જેના કારણે ભારતનો કુલ સ્કોર 2013 થઈ ગયો છે અને ભારતીય પુરુષ ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સીધી જગ્યા મળી ગઈ છે. રિપબ્લિક ઓફ કોરિયાની ટીમ નંબર વન પર છે. ટીમે 2049નો સ્કોર કર્યો છે. ફ્રાન્સની ટીમ 2025ના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીને 1998નો સ્કોર કર્યો છે. ચીનની ટીમ ચોથા નંબર પર છે. હવે તીરંદાજીમાં ભારત, રિપબ્લિક ઓફ કોરિયા, ફ્રાન્સ અને ચીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
તીરંદાજીની મિશ્ર ઈવેન્ટમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમ
ધીરજ બોમ્માદેવરાએ 681 પોઈન્ટ અને અંકિતા ભકટે 666 પોઈન્ટ ઉમેર્યા હતા. આ રીતે ભારત મિશ્ર ઈવેન્ટમાં 1347 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. મિશ્ર ઈવેન્ટના રાઉન્ડ ઓફ 16માં ભારતનો સામનો ઈન્ડોનેશિયા સામે થશે અને ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં સંભવિતપણે ચીન સામે ટકરાશે.
- તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં પુરુષોની ટીમોના સ્કોર:
- દક્ષિણ કોરિયા – 2049 પોઈન્ટ
- ફ્રાન્સ – 2025 પોઈન્ટ
- ભારત – 2013 અંક
- ચીન – 1998 અંક
આ પહેલા પેરિસ ઓલિમ્પિકમાં ગુરુવારે મહિલા તીરંદાજીનો રેન્કિંગ રાઉન્ડ શરૂ થયો હતો. ભારતીય ટીમ આ રાઉન્ડમાં ચોથા ક્રમે રહી હતી. તેણે 1983 પોઈન્ટ બનાવ્યા. ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ રાઉન્ડમાં કોરિયાએ ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો અને 2046 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. દક્ષિણ કોરિયાની લિમ સિ-હ્યોને આ જ ઈવેન્ટમાં 694/720ના વ્યક્તિગત સ્કોર સાથે અગાઉના શ્રેષ્ઠ 692/720ને પાછળ છોડી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ચીન (1996 પોઈન્ટ) બીજા ક્રમે અને મેક્સિકો (1986 પોઈન્ટ) ત્રીજા ક્રમે છે. ભારતીય તીરંદાજ અંકિતાએ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે 666 પોઈન્ટ સાથે 11મા નંબરે છે. ભજન 659 પોઈન્ટ સાથે 22મા ક્રમે અને દીપિકા કુમારી 658 પોઈન્ટ સાથે 23મા ક્રમે છે. આ ત્રણેયને રાઉન્ડ ઓફ 64 રમવું પડશે.
મહિલા વર્ગમાં તમામની નજર દીપિકા પર રહેશે . માતા બન્યાના 16 મહિનામાં જ તેણે શાંઘાઈમાં વર્લ્ડ કપના પ્રથમ ચરણમાં સિલ્વર મેડલ જીતીને શાનદાર વાપસી કરી હતી. મહિલા ટીમમાં તેને સમર્થન આપવા અંકિતા ભગત અને ભજન કૌર છે. પેરિસ ઓલિમ્પિકમાં આ બંને માટે પ્રથમ ઓલિમ્પિક હશે, પુરુષોની ટીમની ફાઈનલ સોમવારે શરૂ થશે જ્યારે વ્યક્તિગત એલિમિનેશન મંગળવારે શરૂ થશે. મિશ્ર ટીમની ફાઇનલ આવતા શુક્રવારે અને મહિલા અને વ્યક્તિગત ફાઇનલ તે જ સપ્તાહના અંતે યોજાશે.