ભારતીય ટીમે આજે દુબઈમાં બાંગ્લાદેશ સામેની મેચ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના બીજા મેચમાં આજે ભારત અને બાંગ્લાદેશ એકબીજા સામે છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે ભારતને 229 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
બાંગ્લાદેશની આખી ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 35 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ જાકર અલી અને તૌહીદ હૃદોયે 154 રનની ભાગીદારી કરી અને ટીમને અનિશ્ચિત સ્થિતિમાંથી બહાર કાઢી. બાંગ્લાદેશ તરફથી જાકર અલીએ 68 રન બનાવ્યા જ્યારે તૌહીદ હૃદોય 100 રન બનાવીને આઉટ થયો. બોલિંગની વાત કરીએ તો ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ, હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી.
ભારત માટે મોહમ્મદ શમીના નેતૃત્વમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. શમીએ મેચમાં પાંચ વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ ત્રણ અને સ્પિનર અક્ષર પટેલે બે વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન શમીએ વનડેમાં પોતાની 200 વિકેટ પણ પૂર્ણ કરી. બાંગ્લાદેશ તરફથી તૌહીદ ઉપરાંત ઝાકિરે 114 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા. તૌહીદ અને હૃદોય સિવાય બાંગ્લાદેશનો કોઈ પણ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો નહીં. તેના ચાર બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં, જ્યારે ત્રણ ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. તંજીદ હસને 25 રન અને રિશાદ હુસૈને 18 રનનું યોગદાન આપ્યું.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે બાંગ્લાદેશ સામે ટીમને સારી શરૂઆત અપાવી છે. છ ઓવરના અંતે ભારતે કોઈ નુકસાન વિના 35 રન બનાવ્યા. આ સમય દરમિયાન રોહિતે વનડેમાં 11000 રન પણ પૂરા કર્યા છે. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આવું કરનારો વિશ્વનો બીજો બેટ્સમેન છે. રોહિતે આ મામલે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. રોહિતે 11000 રન પૂરા કરવા માટે 261 ઇનિંગ્સ લીધી હતી જ્યારે સચિને તેની 276મી વનડે ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા સારી ઇનિંગ્સ રમ્યા બાદ આઉટ થયો છે. રોહિત અને શુભમન ગિલે ભારતને સારી શરૂઆત અપાવી. રોહિત અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. રોહિત 36 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 41 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 10 ઓવરના અંતે એક વિકેટ ગુમાવીને 69 રન બનાવી લીધા છે.
