બર્મિંઘમ: ભારતીય ટીમ (Indian Team) આવતીકાલે અહીં જ્યારે બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ (International Match) રમવા માટે મેદાને (Ground) પડશે ત્યારે બધાની નજર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) પર હશે, જે પાંચ મહિના પછી ટી-20 મેચ રમવા માટે ઉતરશે અને હાલમાં ચાલી રહેલા પોતાના નબળા ફોર્મમાંથી બહાર આવવાનો તે પ્રયાસ કરશે. કોહલી પોતાની કેપ્ટનશિપ હેઠળ ટી-20 વર્લ્ડકપમાં રમ્યા પછી છેલ્લે ફેબ્રુઆરીમાં ટી-20 મેચ રમ્યો હતો અને વર્લ્ડકપ પછી તે માત્ર બે જ ટી-20 રમ્યો છે.
કોહલીની સાથે જ આ મેચથી ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજા ટીમમાં પાછા ફરી રહ્યા છે, ત્યારે ટીમમાં કોને બહાર મુકવો તે ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની રહે તેવી સંભાવના છે. દીપક હુડાએ કોહલીની ગેરહાજરીમાં ત્રીજા ક્રમે પોતાનું કૌવત દાખવી દીધું છે. હવે જો ટીમ ઇન્ડિયા હુડાને એ સ્થાને જાળવી રાખશે તો કોહલી રોહિતની સાથે ઓપનીંગમાં આવી શકે અને તેમ કરવામાં ઇશાન કિશનની બાદબાકી થઇ શકે. જાડેજાને અક્ષર પટેલના સ્થાને સમાવાશે, જ્યારે અર્શદીપ બીજી ટી-20 ટીમમાં સામેલ નથી તેથી બુમરાહનો આપોઆપ સમાવેશ થશે. પંતને સ્થાન આપવા સંભવત: સૂર્યકુમારને બહાર બેસાડવો પડી શકે છે.
રોહિત સતત 13 ટી-20 જીતનારો દુનિયાનો પહેલો કેપ્ટન, પહેલી ટી-20માં ઇંગ્લેન્ડને 50 રને હરાવ્યું
સાઉધેમ્પ્ટન: અહીં રમાયેલી પહેલી ટી-20માં ભારતીય ટીમે હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ઇંગ્લેન્ડે 50 રને હરાવ્યું તેની સાથે જ કેપ્ટન રોહિત શર્મા સતત 13 ટી-20 મેચ જીતનારો વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો હતો. રોહિત શર્મા ફુલટાઇમ કેપ્ટન બન્યા પછી તેના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમની 13મી જીત રહી હતી અને ઇન્ટરનેશનલ ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં સતત 13 મેચ જીતનારો તે દુનિયાનો પહેલો કેપ્ટન બન્યો હતો.
પ્રથમ ટી-20માં ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરીને હાર્દિક પંડ્યાની ટી-20 ઇન્ટરનેશનલની પહેલી અર્ધસદી ઉપરાંત દીપક હુડાના 33, સૂર્યકુમારના 39 તેમજ રોહિતના 24 રનની મદદથી 8 વિકેટે 198 રન બનાવ્યા હતા, જેની સામે ઇંગ્લેન્ડની ટીમનો હાર્દિકની આગેવાનીમાં બોલરોની ઘાતક બોલીંગથી 19.3 ઓવરમાં 148 રને વીંટો વળી ગયો હતો અને તેને પગલે ભારતીય ટીમ 50 રને મેચ જીતી હતી. રોહિત શર્માએ ફુલ ટાઇમ કેપ્ટન બન્યા પછી ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકા સામે સીરિઝ રમી હતી, જેમા રોહિતની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા એકપણ મેચ હારી નથી.