મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 15મી સિઝનની આજે બુધવારે અહીં રમાયેલી 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સના બોલરોની ધારદાર બોલિંગને પ્રતાપે પંજાબ કિંગ્સની બેટીંગ લાઇનઅપ એવી વિખેરાઇ ગઇ કે જે મેદાન પર બે દિવસ પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં કુલ મળીને 400 રન બન્યા હતા ત્યાં પંજાબ કિંગ્સનો માત્ર 115 રનમાં વિંટો વળી જતાં મળેલા 116 રનના લક્ષ્યાંકને દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરની નોટઆઉટ અર્ધસદીની મદદથી 10.3 ઓવરમાં 1 વિકેટે કબજે કરીને મેચ 9 વિકેટે જીતી લીધી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા દિલ્હી કેપિટલ્સને વોર્નર અને પૃથ્વી શોએ ફ્લાઇંગ સ્ટાર્ટ અપાવીને 6.3 ઓવરમાં બોર્ડ પર 83 રન મુકી દીધા હતા અને આ સ્કોર પર પૃથ્વી 20 બોલમાં 41 રન કરીને આઉટ થયો હતો. તે પછી વોર્નર સરફરાઝ ખાન સાથે મળીને ટીમને જીત સુધી દોરી ગયો હતો. વોર્નર 30 બોલમાં 60 જ્યારે સરફરાઝ 13 બોલમાં 12 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.
આ પહેલા ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમને શરૂઆતમાં જ બે મોટા ફટકા પડ્યા હતા અને બંને ઓપનર શિખર ધવન અને મયંક અગ્રવાલ બોર્ડ પર 35 રન હતાં ત્યાં સુધીમાં પેવેલિયન ભેગા થઇ ગયા હતા. શરૂઆતમાં જ પડેલા આ ફટકામાંથી પંજાબ કિંગ્સ બહાર આવી શક્યું નહોતું અને તેઓ નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા અને 85 રનના સ્કોર સુધીમાં તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સની ટીમ 115 રને ઓલઆઉટ થઇ હતી. પંજાબ કિંગ્સ વતી સર્વાધિક 32 રન જીતેશ શર્માએ બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન મયંક અગ્રવાલે 24 રન કર્યા હતા. આ બે સિવાય શાહરૂખ ખાન અને રાહુલ ચાહર 12-12 રન કરીને બે આંકડે પહોંચ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીઓ બે આંકડે પણ પહોંચી શક્યા નહોતા. પંજાબ કિંગ્સ વતી કુલદીપ યાદવ, અક્ષર પટેલ, લલિત યાદવ અને ખલીલ અહેમદે 2-2 વિકેટ ઉપાડી હતી, જ્યારે એક વિકેટ મુસ્તફિઝુર રહેમાનના ફાળે ગઇ હતી.