નવી મુંબઇ : આઇપીએલની 15મી સિઝનની આજે અહીં રમાયેલી 56મી મેચમાં જસપ્રીત બુમરાહે સિઝનમાં પહેલીવાર પાચ વિકેટ ઉપાડતા સારી શરૂઆત કરી હોવા છતાં કોલકાતા નાઇટ રાઇડર્સે વેંકટેશ અય્યર તેમજ નીતિશ રાણાની 43-43 રનની ઇનિંગની મદદથી 9 વિકેટે 165 રન બનાવીને મૂકેલા 166 રનના લક્ષ્યાંક સામે પેટ કમિન્સની આગેવાનીમાં કેકેઆરના બોલરોની જોરદાર બોલીંગથી મુંબઇ ઇન્ડિયન્સનો 113 રનમાં વિંટો વળતા કેકેઆરે 52 રને જીત મેળવીને પોતાની આશાઓને જીવંત રાખી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઇએ કેપ્ટન રોહિત શર્માની વિકેટ પહેલી ઓવરમાં જ ગુમાવતા તેમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને તે પછી સરળતાથી કબજે કરી શકાય તેવા લક્ષ્યાંક સામે નિયમિત સમયાંતરે તેઓ વિકેટ ગુમાવતા રહેવાના કારણે 15મી ઓવરની શરૂઆતમાં તેમનો સ્કોર 5 વિકેટે 100 હતો. ઇશાન કિશન આ સ્કોર પર અર્ધસદી ફટકારીને આઉટ થયો હતો. તેના સિવાયના અન્ય તમામ બેટરોએ નિરાશ કર્યા હતા અને મુંબઇના માત્ર ચાર બેટર બે આંકડે પહોંચ્યા હતા. કેકેઆર વતી પેટ કમિન્સે 3 જ્યારે આન્દ્રે રસેલે 2 અને ટિમ સાઉધી તેમજ વરૂણ ચક્રવર્તીએ 1-1 વિકેટ ઉપાડી હતી.
ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સને વેક્ટેશ અય્ર અને અજિંકેય રહાણેની જોડીએ પાવરપ્લેમાં 60 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. વેંકટેશ 24 બોલમાં 43 રન કરીને આઉટ થયો હતો. જ્યારે રહાણે 25 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 6 રન કરીને આઉટ થતાં તે ફરી એકવાર ફેલ ગયો હતો. તે પછી જસપ્રીત બુમરાહ ત્રાટક્યો હતો. તેણે પોતાની એક જ ઓવરમાં આન્દ્રે રસેલ અને નીતિશ રાણાને આઉટ કર્યા હતા અને તે પછીની પોતાની ત્રીજી ઓવરમાં તેણે શેલ્ડન જેક્સન, પેટ કમિન્સ અને સુનિલ નરેનને આઉટ કરીને પોતાની પાંચ વિકેટ પુરી કરી હતી. કોલકાતાએ 33 રનના ઉમેરામાં પાંચ વિકેટ ગુમાવી હતી અને તેમનો સ્કોર 8 વિકેટે 156 રન થયો હતો અને અંતે તેઓ 9 વિકેટે 165 રન સુધી પહોંચ્યા હતા. રિન્કુ સિંહ 23 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.