ભારતીયો માટે પાન અને ગુટખાંને ગમે ત્યાં થૂંકવું એ સામાન્ય બાબત છે. જાહેર રસ્તા, સરકારી ઈમારતો અને બસ-રેલવેમાં ઠેરઠેર પાનની પિચકારી મારી હોવાના દ્રશ્યો જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે સરકારને આ પિચકારીના ડાઘાં સાફ કરવા માટે કેટલો ખર્ચ કરવો પડે છે. માત્ર રેલવે તંત્રને જ વર્ષે આ થૂંકના ડાઘા સાફ કરવા માટે રૂપિયા 1200 કરોડનો ખર્ચ કરવો પડી રહ્યો છે.
રેલ્વેમાં મુસાફરી કરતી વખતે પાન અને ગુટખાં કાઇને ડબામાં જ થૂંકવું અને પિચકારી મારવી ભારતીય મુસાફરો માટે તદ્દન સહજ અને સામાન્ય બાબત છે અને તે અંગે તેઓ કોઈ શરમ અનુભવતા નથી. ઉલ્ટાનું તેઓ રેલ્વેના કમ્પાર્ટમેન્ટમાં પાન ગુટખાં કાઇને પિચકારી મારવાને પોતાનો મૂળભૂત અધિકાર સમજે છે. પરંતુ આ તેઓને એ ખબર નથી કે તેઓ દ્વારા પાન અને ગુટખાં કાઇને મારવામાં આવતી પિચકારીના કારણે કમ્પાર્ટમેન્ટમાં જે ડાઘ પડી જાય છે તેની સાફ-સફાઇ કરવા પાછળ રેલવેએ કેટલી મોટી રકમ ખર્ચવી પડે છે.
કોવિડ-19નો રોગચાળો જ્યારે પીક ઉપર હતો ત્યારે સરકારે જાહેરમાં થૂંકવા બાબતે ભારે દંડ ઝીંકવાની જોગવાઇ અમલમા મૂકી હતી પરંતુ પ્રજા ઉપર તે જોગવાઇની પણ કોઇ અસર થઇ નહોતી. જો કે આ સમસ્યાના એક ઉપાય તરીકે હવે રેલ્વે દ્વારા પોકેટ સાઇઝની ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવી બાયોડીગ્રેડેબલ થૂંકદાનીઓ વિકસાવવામાં આવી રહી છે. આ થૂંકદાનીઓ એવી હશે જેમાં વનસ્પતિના બી પણ સમાયેલા હશે અને જ્યારે તેનો નિકાલ કરવામાં આવશે ત્યારે તેમાં રહેલાં બી માંથી નાના છોડ ઉગી નીકળશે.
આ પ્રકારની થૂંકદાનીઓ મુસાફરોને મળી રહે તે માટે હાલ પૂરતા દેશના 42 સ્ટેશનો ઉપર તેના વેન્ડિંગ મશીનો અને કિઓસ્ક ઉબા કરવામાં આવશે અને પાન ગુટખાં ખાઇને વારંવાર થૂંકવાની કુટેવ ધરાવતા લોકો તે મશીન કે કિઓસ્કમાંથી રૂ. 5 થી રૂ. 10 સુધીની ચુકવણી કરીને તે થૂંકદાની ખરીદી શકશે. રેલ્વે દ્વારા ઇઝી સ્પીટ કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી પશ્ચિમ, ઉત્તર અને મધ્ય રેલ્વેને સોંપવામાં આવી છે. આ પાઉચ એવા હશે જેને પોકેટમાં આસાનીથી રાખી શકાશે અને જ્યારે પણ થૂંકવાની ઇચ્છા હશે ત્યારે તેને બહાર કાઢી તેમાં થૂંકી શકાશે, જેના કારણે રેલ્વે સ્ટેશનો ને કમ્પાર્ટમેન્ટ સાફ-સુથરાં રહેશે.