Vadodara

પાણી માટે પળોજણ : નેતાઓના વાયદા પોકળ

વડોદરા : વડોદરાના વેમાલી ગામ ખાતે આવેલ અંબે રેસિડેન્સીના રહીશો છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.ચૂંટણી ટાણે કરાયેલા વાયદા ખોટા પુરવાર થતા દરરોજ વીસ જેટલા પાણીના ટેન્કરો મંગાવાની ફરજ પડી છે.જેનું દરમહીને ઓછામાં ઓછું દોઢથી પોણા બે લાખ રૂપિયા બિલ ચૂકવી રહ્યા છે.એક તરફ પાણી આપવામાં નથી આવતું તો બીજી તરફ બે વર્ષનો પાણી વેરો ઝીંકી દેતા રહીશોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.તેમજ જો વહેલીતકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા શહેરમાં પાણીનો કાળો કકળાટ શરૂ થયો છે.પાણી નહીં મળવાના કારણે તંત્રના પાપે નગરજનો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો સ્થાનિક કાઉન્સિલર વોર્ડ કચેરી પાલિકાની વડી કચેરીમાં અનેકો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે શહેર નજીક વેમાલી ગામ અંબે રેસિડેન્સીના રહીશોએ પાણી પ્રશ્ને તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

અંબે રેસિડેન્સીના રહીશોને છેલ્લા પાંચ થી છ વર્ષથી પાણી નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય ,સાંસદ સહિત પાલિકાની વડી કચેરીમાં પણ રજુઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી પાણીની સુવિધા પુરી પાડવામાં આવી નથી. જેના કારણે દરરોજ 17 થી 20 જેટલા પાણીના ટેન્કરો વેચાતા લાવવાની ફરજ પડી છે. અને લાખો રૂપિયા પાણીનું બિલ દરમહીને ચૂકવતા કાળઝાળ મોંઘવારી વચ્ચે અંબે રેસિડેન્સીના રહીશો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સ્થાનિક રહીશોએ ઉચ્ચારી હતી.

Most Popular

To Top