Columns

શુકદેવજીની અધ્યાત્મયાત્રા

પરમ પદની પ્રાપ્તિ માટેની શુકદેવજીની અધ્યાત્મયાત્રા અવિરત ચાલુ જ રહી. શુકદેવે હવે ૫૨મ સિદ્ધિના માર્ગ પર પ્રયાણ કર્યું. તમોગુણ અને ૨જોગુણનો તેમણે ત્યાગ કર્યો જ હતો. હવે તેમણે સત્ત્વગુણનો પણ ત્યાગ કર્યો, જે એક અદભુત ઘટના હતી. શુકદેવજી હવે નિર્ધૂમ અગ્નિ જેવા જાજ્વલ્યમાન દેખાતા હતા. શુકદેવજીએ હવે બ્રહ્મસ્વરૂપમાં સ્થિતિ કરી, જે પરબ્રહ્મ નિત્ય, નિર્ગુણ તથા લિંગરહિત છે. તે સમયે સમગ્ર પ્રકૃતિ ડોલી ઊઠી. તે સમયે દેવરાજ ઇન્દ્ર સુગંધ જળની વર્ષા કરવા લાગ્યા અને દિવ્ય સુગંધયુક્ત પવન વહેવા લાગ્યો.૫૨મ ગતિને પ્રાપ્ત કરવા માટે શુકદેવજી આગળ વધ્યા. તે વખતે હિમાલય અને મેરુપર્વતનાં શિખરો અન્યોન્ય મળેલાં હતાં. શુકદેવજી જ્યારે તે સ્થાને પહોંચ્યા ત્યારે બંને શિખરો જુદાં થઈ ગયાં, બંને વચ્ચે માર્ગ બની ગયો અને શુકદેવજી વચ્ચેથી પસાર થઈ ગયા. આ એક અદભુત ઘટના બની. શુકદેવજીની ગતિને હવે કોઈ રોકી શકે તેમ ન હતું. શુકદેવજીને અને તેમની અબાધિત ગતિ જોઈને દેવગણો, ઋષિઓ, ગંધર્વો – સૌએ હર્ષનાદ કર્યો અને સૌ ‘ધન્ય! ધન્ય !’ બોલી ઊઠ્યા.

દેવનદીમાં અપ્સરાઓ આનંદપૂર્વક નિર્વસ્ત્ર અવસ્થામાં ક્રીડા કરી રહી હતી. તે વખતે શુકદેવજી તે સ્થાનેથી પસાર થયા. શુકદેવજીને શૂન્યવત્, નિર્વિકાર અને નિરાકાર જેવા જોઈને તેમને કોઈ સંકોચ ન થયો અને તેઓ નિર્વસ્ત્ર જ રહી. શુકદેવજીને ૫૨મ સિદ્ધિ માટે ઉત્ક્રમણ કરતા જોઈને, સ્નેહયુક્ત થઈ પિતા વ્યાસદેવજી યોગગતિનું આલંબન કરીને શુકદેવજીની પાછળપાછળ ચાલ્યા. ઋષિઓએ વેદવ્યાસજી સમક્ષ શુકદેવજીની અલૌકિક ગતિનું વર્ણન કર્યું. તદનંત૨ શુકદેવજીનું અનુગમન કરતાં વ્યાસદેવજી જોરથી “હે શુક ! હે શુક !’’ એમ બૂમો પાડીને રડવા લાગ્યા. તે વખતે શુકદેવજીએ તેના પ્રત્યુત્તરરૂપે “ભોઃ” એવા અવાજથી જગતને ગજાવી મૂક્યું.

તેના પડઘારૂપે સમગ્ર સ્થાવર- જંગમ સૃષ્ટિએ પણ ‘ભોઃ’ એવા શબ્દથી તેનો પ્રતિભાવ આપ્યો. અદૃશ્ય સ્વરૂપમાં રહીને પોતાનો પ્રભાવ દર્શાવીને શુકદેવજી શબ્દાદિ સર્વ ગુણો ત્યજીને પરમ પદ પામ્યા હતા. વ્યાસદેવજી પુત્રનો મહિમા સમજીને તેનો જ વિચાર કરતા તે જ શિખર પર બેસી રહ્યા. તે વખતે મંદાકિનીના તીરે સ્નાન કરતી અપ્સરાઓ વ્યાસદેવજીને જોઈને લજ્જિત થઈ અને કોઈ વસ્ત્રો પહેરવા લાગી, કોઈ જળમાં છુપાઈ ગઈ અને કોઈ વસ્ત્રોથી અંગો ઢાંકવા લાગી. આ દૃશ્ય જોઈને વ્યાસજી પોતાના પુત્રની પરમ ગતિ જોઈને પ્રસન્ન થયા અને પોતાની આસક્તિ જાણીને સંકોચ પામ્યા. તે વખતે ગંધર્વોથી ઘેરાયેલા, મહર્ષિઓથી પૂજાતા ભગવાન પિનાકપાણિ શંકર તેમની પાસે આવ્યા. પુત્રશોકથી સંતપ્ત કૃષ્ણ દ્વૈપાયનને જોઈને ભગવાન શંકર તેમને સાંત્વન આપતાં આ પ્રમાણે કહે છે :

अग्नैर्भूमेरपां वायोरन्तरिक्षस्य चैव ह।
वीर्येण सदृश: पुत्रस्तत्वया मत्तः पुरा वृतः ।।
स तथालक्षणो जातस्तपसा तव संभूतः ।
मम चैव प्रभावेन ब्रह्मतेजोमय: शुचि: ।।
स गतिं परमां प्राप्तो दुष्प्रापामजितेन्द्रियैः ।
देवतैरपि विप्रर्षे तं त्वं किमनुशोचसि।।
             – शांतिपर्व : ३३३-३३/३४/३५

પહેલાં તમે મારી પાસે અગ્નિ, ભૂમિ, જળ, વાયુ તથા આકાર જેવો વીર્યવાન પુત્ર માગ્યો હતો, તેથી તેવાં જ લક્ષણોવાળો પુત્ર તમારે ત્યાં જન્મ્યો. તમારા જ તપથી તે સંવર્ધિત થયો અને મારી કૃપાથી બ્રહ્મતેજવાન અને પવિત્ર બન્યો. હે વિપ્રર્ષિ ! તેણે અજિતેન્દ્રિય પુરુષો અને દેવતાઓથી પણ અપ્રાપ્ય તેવી ગતિ પ્રાપ્ત કરી છે, તો હવે તેને માટે આપ શાથી શોક કરો છો? જ્યાં સુધી પર્વતો રહેશે, જ્યાં સુધી સાગરો રહેશે ત્યાં સુધી પુત્રની અને પુત્રની સાથે તમારી કીર્તિ અક્ષય રહેશે.

‘’હે મહામુનિ! મારી કૃપાથી આ લોકમાં સર્વ સ્થળે તમે તમારા પુત્રની છાયા જોશો.’’  હવે સમાપનમાં પિતામહ ભીષ્મ કહે છે : “હે ભારત ! તદનંતર ભગવાન રુદ્રની કૃપા પામીને પુત્રની છાયા જોતા વ્યાસમુનિ ૫૨મ હર્ષ સાથે ત્યાંથી પાછા ફર્યા.’’ ‘’હે યુધિષ્ઠિર ! તમે પ્રશ્ન પૂછ્યો હતો તદનુસાર આ મેં તમને સૌને શુકદેવજીના જન્મની અને તેમની પરમ પદની પ્રાપ્તિની અર્થાત્ પરમ જ્ઞાની શુકદેવજીની અધ્યાત્મયાત્રાની કથા કહી.’’ મહારાજ યુધિષ્ઠિર, ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવબંધુઓ અને સૌ શ્રોતાજનો શુકદેવજીની આ કથા સાંભળીને ‘‘ધન્ય! ધન્ય!’’ બોલી ઊઠ્યા.

Most Popular

To Top