ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરાવી હતી. દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો આરંભ થયા બાદ આવતીકાલથી સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે. ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે.
આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે. વર્ચ્યુઅલ સમારંભમાં સિંધિયાએ કહ્યું હતું કે, આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી અને ઘોઘા થી સુરતની રો-પેક્ષ ફેરીની શરૂઆત દરિયાઈ માર્ગે કરાવાઇ હતી અને હવે આજે ભાવનગરથી સીધા દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાની શરૂઆત થઈ રહી છે.
ભાવનગર શહેર અગાઉ જમીન માર્ગ અને જળમાર્ગથી જોડાયેલું હતું જ, હવે આજથી હવાઈ માર્ગે પણ જોડાઈ ગયું છે. આમ, ત્રણેય પ્રકારની યાતાયાતથી સેવાઓ ભાવનગરમાં ઉપલબ્ધ થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંભ પ્રસંગે કહ્યું હતું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે.
ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને મળી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, એર કનેક્ટિવિટી વિકાસને આગળ વધારે છે, જ્યાં કનેક્ટિવિટી ઘટે છે ત્યાં વિકાસ રૂંધાય છે. આ મહત્વને પારખીને રાજ્ય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજ્યની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે.
ગુજરાતના નાગરિકો વેપાર-વાણિજય,શૈક્ષણિક અને કારકિર્દીના વિકાસ માટે વિશ્વના ખૂણેખૂણે પથરાયેલાં છે ત્યારે આ એર કનેક્ટિવિટીથી રાજ્યનો રાષ્ટ્રીય સ્તરે એક વધુ માર્ગ ખૂલશે. તેમણે કહ્યું હતું કે, ભાવનગર શહેર એ અતિ પ્રાચીન શહેર છે. ભાવનગર જિલ્લામાં શીપ બ્રેકિંગ યાર્ડનો મોટો બિઝનેસ ચાલે છે.
આ ઉપરાંત તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ ‘વ્હિકલ સ્ક્રેપ પોલીસી’નો મોટો લાભ ભાવનગર માટે ઉપલબ્ધ થનારો છે. તદુપરાંત વિશ્વનો સૌ પ્રથમ સી.એન.જી. પ્લાન્ટ ભાવનગર ખાતે કાર્યરત થવાનો છે. ભાવનગરમાં ડાયમંડ ઉદ્યોગ, નાના ઉદ્યોગો, રોલીંગ મીલ વગેરે ભરાવે છે ત્યારે એર કનેક્ટિવિટી વધવાથી ઉદ્યોગકારોની સગવડતા અને સુવિધામાં વધારો થશે.