જેનો ડર હતો એવું જ થયું, કોરોના કેસોમાં હવે ફરી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી એ સમયે જ કેટલાક લોકો અને ખાસ કરીને મીડિયા જગતના લોકો એવી શંકા સેવી રહ્યા હતા કે ચૂંટણી પટતાંની સાથે જ કોરોના કેસ વધવા લાગશે અને ફરી ગુજરાત લોકડાઉન તરફ ધકેલાશે. ખેર, એ સમયે ભલે આ વાત રાજનેતાઓ પર કટાક્ષના રૂપમાં જોવામાં આવી રહી હતી પરંતુ હવે એ સાચી ઠરી રહી છે.
ચૂંટણી પતી અને તે સાથે કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ખુલ્લા કોરોના બોમ્બ થઇને ફરી રહેલા નેતાઓને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. સુરતના મેયર તો રસ્તા પર જઇને લોકોને ધમકાવી રહ્યા છે. પોતાની સભામાં આવેલા લોકોને ખવડાવવા પીવડાવવા સુધીની સેવા આપનારા નેતાઓને હવે પ્રજામાં કોરોના સુપરસ્પ્રેડર દેખાઇ રહ્યા છે.
કોરોનાનું પણ કહેવું પડે, કેટલો સમજદાર આ વાયરસ છે જે ચૂંટણીઓ દરમિયાન શાંત રહે છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં કેસ વધે છે પરંતુ જ્યાં ચૂંટણીઓ છે એવા રાજ્યમાં શાંત બેસી રહે છે. શું કોરોના માટે પણ કોઇ રિમોટ છે જેનાથી તેને ઓન/ઓફ કરી શકાય, અથવા કોરોનાને જરૂરિયાત મુજબ એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડી શકાય છે. ખેર, આ એવા પ્રશ્નો છે જેના જવાબ નહીં મળે.
રાજનેતાઓને સવાલ કરશો તો તેઓ પોતે કરેલી ભૂલોનો કદી સ્વીકાર નહીં કરે. સીઆર પાટીલ સાહેબના જન્મદિવસ સુધી બધું બરાબર હતું. કોરોના પણ જાણે રાહ જોઇ રહ્યો હતો કે ભાઉનો જન્મદિવસ ખતમ થાય અને ત્યારબાદ હું બહાર નીકળું. હવે સુરત અને અમદાવાદમાં કરફ્યુનો સમય રાત્રીના 9થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નખાયો છે.
લોકડાઉન નહીં લગાવાય એવું મુખ્યમંત્રી કહી પણ રહ્યા છે. ક્યાંથી લોકડાઉન લગાવે? લોકડાઉન લગાવાય તો સરકારને મળતી કમાણી સદંતર બંધ થઇ જાય તે કોરોનાવાયરસ ગાઇડલાઇન્સ હેઠળ છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે અને સાથે પ્રજા પણ આ વખતે સરકારના કાવતરાઓ સમજવા લાગી છે. ચૂંટણી દરમિયાન કોના ઇશારે કેસ ઓછા થાય છે? ચૂંટણી પૂર્ણ થયા બાદ કોના ઇશારે કેસ વધે છે? આ બધા પ્રશ્નો હવે પ્રજા સરકારને કરશે. સરકાર પાસે જવાબ નથી.
ચૂંટણી દરમિયાન જે વાતાવરણ બનાવવામાં આવ્યું હતું એ જોતા એવું લાગતું હતું કે જાણે આપણે આ મહામારીમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી ગયા છે. કોરોના જેવું કશું છે જ નહીં, લોકો ફરી રહ્યા છે, હોટેલોમાં ભીડ લાગી છે, લારીઓ ઉભરાઇ પડી છે. બધું જ જાણે સામાન્ય હતું. હાલના સુરતના મેયર પણ એ સમયે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા જેઓ હવે એક જ કુટુંબના લોકોને સાથે જોઇને ધમકી આપવા માંડ્યા છે.
પ્રશ્ન એ થાય કે હાલમાં જ ચૂંટણી પૂર્ણ થઇ છે, લોકોએ તમને કોરોના ગાઇડલાઇન્સનું છડેચોક ભંગ કરતાં જોયા હોય અ સમયે તમે કઇ રીતે પ્રજાને ડાહી વાતો શીખવી શકો. પોતે જેનું ઉલ્લંઘન કર્યુ હોય એ વાતો પ્રજાને કહેવાનું મોરલ કેવી રીતે પેદા કરી શકો છો.
કોરોનાવાયરસ ગુજરાતમાં આજના નરેન્દ્ર મોદી અને પહેલાના મોટેરા સ્ટેડિયમમાં ભીડ બાદ ફેલાયો હતો જ્યારે ટ્રમ્પને જીતાડવા માટે પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ તો ન જીત્યા પરંતુ ગુજરાતની પ્રજાને હવે સહન કરવાનો વારો આવ્યો છે. આ વર્ષે જ્યારે કોરોના જેમ તેમ શાંત થયો( એવો એ સમયે દાવો હતો) હોય એવા સમયમાં ફરી એ જ સ્ટેડિયમમાં લોકોને ભેગા કર્યા.
પહેલા તો 1 લાખનો ટાર્ગેટ રાખવામાં આવ્યો પરંતુ લોકો વિરોધ કરશે એવું સમજમાં આવતાં જ તે નિર્ણય બદલીને 50 ટકા જનતા માટે કરવામાં આવ્યો અને છેવટે દર્શકો વિના મેચો રમાડવામાં આવી. ખેર આ અકલ આવી ત્યાં સુધી તો ગુજરાતમાં ફરી કોરોનાએ હાહાકાર મચાવી દેવાની શરૂઆત કરી લીધી હતી. હવે જ્યારે કેસો વધ્યા છે ત્યારે પણ ગુજરાત સરકાર તરફખી ખાસ કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.
એક સમયે 200-300 વચ્ચે પહોંચેલા કેસો હવે રોજ 1000નો આંકડો પાર કરી રહ્યા છે. પ્રજા પણ આ વખતે કોઇ ખાસ ડરમાં નથી જે ડર ગત વર્ષે આ સમયે દેખાતો હતો અને તેનું ખાસ કારણ ચૂંટણી દરમિયાન રાજનેતાઓના બિન્દાપણાને લીધે છે.
લોકોને પણ જાણે એ લાગી રહ્યું છે કે સરકાર ખાલી પોતાની તિજોરી ભરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે તેથી જે સ્વયંભૂ જુવાળ દેખાતો હતો એ આ વખતે નથી દેખાઇ રહ્યો. ઘણાં વેપારીઓએ આનો વિરોધ નોંધાવ્યો છે પરંતુ આપણે જાણીએ છીએ કે સત્તા સામે શાણપણ નકામું હોય છે તેથી સબૂત હોવા છતાં પણ એવા નેતાઓ સામે પોલીસ કોઇ ખાસ કાર્યવાહી કરશે નહીં.