Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આંબાના ખેડૂતો માટે ખાસ સૂચના

સુરત: હવામાન ખાતાની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તા. ૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આંબા પાક મોર આવવાના અત્યંત સંવેદનશીલ તબક્કે હોવાથી આવા હવામાનથી જિલ્લામાં આંબા પાકની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને આર્થિક નુકશાન થવાની સંભાવના રહેલી છે.

  • દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તા. ૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની શક્યતા
  • આંબાના મોર દરમિયાન વધુ ભેજ, વરસાદ તથા વાદળછાયા વાતાવરણને કારણે ફળ બેસાણમાં ઘટાડો, ફૂલ તથા નાની કળીઓનું ઝડવું તેમજ પરાગનયન પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ શકે
  • વરસાદ શરૂ થવા પહેલાં અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો

આંબાના મોર દરમિયાન વધુ ભેજ, વરસાદ તથા વાદળછાયા વાતાવરણને કારણે ફળ બેસાણમાં ઘટાડો, ફૂલ તથા નાની કળીઓનું ઝડવું તેમજ પરાગનયન પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ શકે છે. ખાસ કરીને મોર લાંબા સમય સુધી ભીનો રહે તો ફૂગજન્ય રોગો ઝડપથી ફેલાવાની શક્યતા વધી જાય છે, જેના પરિણામે પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) તથા એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગોનું પ્રમાણ વધે છે અને ફળ બેસાણમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા રહે છે.

આવા સંજોગોમાં ખેડૂતોને બાગાયત વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે કે વરસાદ શરૂ થવા પહેલાં અથવા વરસાદ બંધ થયા બાદ ૨૪ કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. તે માટે કાર્બેન્ડાઝિમ (૧ ગ્રામ પ્રતિ લીટર) અથવા હેક્સાકોનાઝોલ (૧ મીલી પ્રતિ લીટર) અથવા વેટેબલ સલ્ફર (૨ ગ્રામ પ્રતિ લીટર)માંથી કોઈ એક દવાનો છંટકાવ કરવાથી રોગ નિયંત્રણમાં મદદ મળે છે. દવાના છંટકાવ સમયે સ્ટિકર ભેળવવાથી તેની અસર વધુ સારી થાય છે.

મોર નબળો ન પડે તથા ફૂલ ઝડી ન જાય તે માટે બોરોન (૦.૨ ટકા) અને ઝીંક (૦.૫ ટકા) જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે કરવાની પણ ભલામણ કરવામાં આવી છે, જેથી મોર મજબૂત રહે અને ફળ બેસાણમાં સુધારો થાય. સાથે જ ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તે માટે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.

બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી પગલાં અંતર્ગત બપોરની ગરમીમાં દવાનો છંટકાવ ટાળવો, હવામાનની આગાહી મુજબ ખેતી કાર્યનું આયોજન કરવું તથા દવાનો યોગ્ય માત્રામાં જ ઉપયોગ કરવો. સમયસર અને સમજદારીપૂર્વક પગલાં લેવામાં આવે તો કમોસમી વરસાદથી આંબા પાકને થતું સંભવિત નુકશાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે. તેમજ વધુ મહિતી માટે સુરતની નાયબ બાગાયત નિયામકની કચેરી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- સુરતનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.

Most Popular

To Top