આણંદ : ખંભાત સ્થિત ધુવારણ પાવર પ્લાન્ટમાં રૂ.5.55 કરોડના સ્પેર પાર્ટ્સ ગુમ થઇ જતાં ભારે હોહા મચી ગઈ છે. છેલ્લા છ મહિનાથી આંતરિક તપાસના અંતે આ ઘટના પાછળ એન્જિનીયર સહિત છ જવાબદાર અધિકારીઓ અને સિક્યુરીટી એજન્સીના કર્ચમારી, અધિકારીની જવાબદારી ફિક્સ થતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ પાવર પ્લાન્ટમાં સામાન્ય વ્યક્તિ માટે પણ પ્રવેશ અશક્ય છે. તેવા સમયે આવી કિંમતી મશીનરી રાતોરાત કેવી રીતે ગાયબ થઇ ગઇ ? તે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ખંભાતના જીએસઇસીએલ ધુવારણ પ્લાન્ટ ખાતે છેલ્લે જૂન – જુલાઇ 2020માં ઓડિટ કરવામાં આવ્યું હતું. બાદમાં 2021નુ વાર્ષિક ઇન્વેન્ટરી ઓડિટ હાલ ચાલુ છે. ધુવારણ ખાતે ગેસ આધારીત પાવર પ્લાન્ટ આવેલા છે. જેના અલગ અલગ ત્રણ પ્લાન્ટ છે. જે પૈકી એક પ્લાન્ટ સીસીપીપી-1 આવેલો છે. જે પ્લાન્ટમાં ગેસ ટર્બાઇનમાં બકેટ ઓફ ગેસ ટર્બાઇન તથા સાઉડ ઓફ ગેસ ટર્બાઇન જે ગેસ ટર્બાઇનના સ્પેરપાર્ટ્સ હોય છે. આ પાર્ટ્સ ઓક્ટોમ્બર 2010માં પ્લાન્ટમાં લગાવવામાં આવ્યાં હતાં. જે પાર્ટ્સ ખરાબ થઇ જવાથી સને 2018 ઓક્ટોબર માસમાં બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ગેસ ટર્બાઇનના સ્ટેજ 1 અને 2ના પાર્ટ્સ જામ થઇ જવાથી ખુલ્યાં ન હોવાથી તેને ટર્બાઇન રોટર સાથે સીંગાપુર ખાતે સને માર્ચ, 2019માં મોકલી આપ્યાં હતાં. જે 20મી જુલાઇન 2019માં પરત આવ્યાં હતાં.
આ પાર્ટ્સ મીકેનીકલ મેઇન્ટેનન્સ વિભાગના અધિકારી, કર્મચારી તથા જનરલ ઇલેક્ટ્રીક તથા પાવરમેક પ્રોજેક્ટ લીમીટેડ કંપનીના અધિકારી, કર્મચારીઓની હાજરીમાં ટર્બાઇન રોટર સાથે બકેટ ઓફ ગેસ ટાર્બાઇન 92 નંગ પરત રાખવામાં આવ્યાં હતાં. જે તમામ બકેટ અને સ્રાઉડ ઓફ ગેસ ટેર્બાઇન નંગ 24 જેસીસીપીપી 1-2માં લાકડાના બોક્સમાં રાખેલા અને તેની નોંધ ઇન વોઇસ હોય તેમાં કરી હતી. જોકે, ગણતરી બાદ મેઇન્ટેનન્સ વિભાગના અધિકારીઓએ લેખીત જાણ કરી ન હતી. આ સ્પેરપાર્ટ જેસીસીપીપી 1-2 પ્લાન્ટમાં રાખેલા હતા. જે અંગે લેખીતમાં કોઇ સિક્યુરીટી વિભાગને જાણ કરી નહતી. તે પછી 12મી ઓક્ટોબર, 2020ના રોજ બકેટ ઓફ ગેસ ટાર્બાઇન નંગ 92 તથા સ્રાઉડ ઓફ ગેસ ટેર્બાઇન નંગ 24 સીસીપીપી 1-2માં લાકડાના બોક્સમાં રાખેલા હતા.
બાદમાં ઓક્ટોબર 2018થી જે જગ્યાએ વોચ ટાવર -4 ઉપર નિયમીત સિક્યુરીટી ગાર્ડની નિમણૂંક કરી હતી. તે પછી તા.29મી ડિસેમ્બર, 2020ના રોજ બપોરે જીઇના પ્રતિનિધી ડીમ્પલ મહેતા, કાર્તિકેય જેઓ સીસીપીપી-1ના એચજીપીઆઈના પ્લાનીંગ માટે સ્થળ તપાસ કરવા જતા ગેસ ટેર્બાઇનના સ્પેર પાર્ટ્સ સ્રાઉડ તથા બકેટ મળ્યાં નહતાં. આ અંગે મેઇન્ટેનન્સ વિભાગના ડેપ્યુટી એન્જિનીયર જે.સી. પરીખને જાણ કરી હતી. જેથી ખાત્રી કરતાં બકેટના 86 અને સ્રાઉડ ઓફ ગેસ ટેર્બાઇન નંગ 12 ગુમ થઇ ગયેલા હતાં. આ અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. 86 બકેટ કિંમત રૂ.5,11,70,000 તથા 12 સ્રાઉડ ઓફ ગેસ ટર્બાઇનના પાર્ટ્સ કિંમત રૂ.43,32,000 મળી કુલ રૂ.5,55,02,000 જેટલી કિંમતના સ્પેર પાર્ટ્સ ચોરી અંગે આંતરિક તપાસ શરૂ થઈ હતી.
આ પાર્ટ્સ 13મી ઓક્ટોબર, 2020ના રોજ બીજી જીટી હૈદરાબાદ ખાતે રીપેરીંગ માટે મોકલાવેલા હતાં. આ ગુમ થયેલા સ્પેર પાર્ટ્સ સીંગાપુર ખાતે રીપેરીંગ માટે મોકલવાના હોવાથી 16મી ડિસેમ્બર, 2020ના રોજ એસબીઆઈ બેન્કથી જીઆઈ વેવર અને 15મી ડિસેમ્બર, 2020થી ચાર્ટ્ડ એન્જિનીયર આર.કે. પટેલ એન્ડ કંપનીનું સર્ટીફિકેટ તૈયાર કરાવ્યું હતું. આ અંગે મેન્ટેનન્સ વિભાગે 24મી ડિસેમ્બર, 2020ના રોજ મેઇન સ્ટોર વિભાગના અધિકારીને જાણ કરી હતી.
આ ગુમ પાર્ટ્સ અંગે જુદા જુદા છ અધિકારી અને ગાંધીનગર સ્થિત પ્રાયવેટ સિક્યુરીટી એજન્સી મેસર્સ ભક્તિ કન્સલ્ટન્ટની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. આ અંગે એડીશનલ ચીફ એન્જિનીયર તરીકે ફરજ બજાવતા દિલમસિંગ હિરાભાઇ વસાવાએ છ અધિકારી અને ખાનગી સિક્યુરીટી એજન્સી સામે ફરિયાદ આપતાં ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે ગુનો નોંધાયો
- આર. વી. વસાવા, એન્જિનીયર
- જે. સી. પરીખ, ડેપ્યુટી એન્જિનીયર
- બી. આર. પટેલ, ડેપ્યુટી એન્જિનીયર
- એમ. બી. જયસ્વાલ, જુનીયર એન્જિનીયર
- બી. એમ. મકવાણા, સલામતી વિભાગના એસઓ અધિકારી
- એસ. જી. લેઉઆ
- મેસર્સ ભક્તિ કન્સલ્ટન્ટના કર્મચારી, અધિકારી (ખાનગી સિક્યુરીટી એજન્સી)
કોની સામે શા માટે ગુનો નોંધાયો ?
ગુમ થયેલા તમામ સ્પેર પાર્ટ્સની સંભાળ અને સલામતીની જવાબદારી મીકેનીકલ મેન્ટેનન્સ વિભાગના એન્જીનીયર આર.વી. વસાવા તથા ડેપ્યુટી એન્જિનીયર જે.સી. પરીખ, ડેપ્યુટી એન્જીનીયર બી.આર. પટેલ તથા જુનીયર એન્જનીયર એમ.બી. જયસ્વાલની હતી. આથી, ગુમ થયેલા સ્પેર પાર્ટ્સ અંગે વખતો વખત ચકાસણી કરી તેનો રિપોર્ટ કરવાની જવાબદારી મીકેનીકલ મેન્ટેનન્સ વિભાગના અધિકારીઓની હતી.
સલામતી વિભાગના એસ.ઓ. અધિકારી બી.એમ. મકવાણા તથા એસ.જી. લેઉઆ તેમજ ખાનગી સિક્યુરીટી એજન્સી મેસર્સ ભક્તિ કન્સલ્ટ ગાંધીનગરની હતી. ગુમ થયેલા ગેસ ટર્બાઇનના સ્પેર પાર્ટ્સ વાળી જગ્યા નજીક વોચ ટાવર-4 ઉપર નિયમિત સિક્યુરીટી ગાર્ડની નિમણૂંક કરવાની હતી. પરંતુ તેમાં સલામતી વિભાગ દ્વારા અવાર નવાર યોગ્ય ગાર્ડની નિમણૂક કરવામાં આવતી નહતી. અનેક વખત ગાર્ડ મુકાયા જ નહતાં અને જગ્યા ખાલી રાખી હતી.