Entertainment

સાઉથનો સુદીપ હિન્દીમાં સેન્સેશન બનશે?

કિચ્ચા સુદીપ શું અલ્લુ અર્જૂન, જૂનિયર એન.ટી.આર યા યશ કે પૂરવાર થશે. હવે સાઉથના કોઇ પણ સ્ટારની ફિલ્મ રજૂ થાય ત્યારે હિન્દી ફિલ્મ જગતમાં આ પ્રકારની ચર્ચા શરૂ થઇ જાય છે. આવા સ્ટાર્સની ફિલ્મોનો બહુ બધો પ્રચાર નથી થયો હતો છતાં બને છે એવું કે ફિલ્મ રજૂ થયા પછી તેઓ ચર્ચામાં આવી જાય છે. કિચ્ચા સુદીપ વિશે એવું બનશે ખરું? તેની ‘વિક્રાંત રાના’ કન્નડ, તેલુગુ, મલયાલમ સાથે હિન્દીમાં રજૂ થઇ રહી છે. સુદીપ કહે છે કે આ બહુ મોટી ફિલ્મ છે. અમારી પાસે મોટો વિચાર હતા એટલે અમે મોટી રીતે જ રજૂ કરવા માંગીએ છીએ. આપણે ફાઇવ સ્ટાર હોટલમાં જઇએ તો કશાક મોટાની જ ઇચ્છા કરીએ છીએ તો એવું જ છે આ. અમારે પ્રેક્ષકોના મોટા વર્ગ સુધી પહોંચવું છે એટલે અમે એક સાથે ચાર ભાષામાં તડાકો બોલાવ્યો છે.

‘વિક્રાંત રોના’માં કિચ્ચા સુદીપ સાથે જેકલીન ફર્નાન્ડિસ, નીથા અશોક, રવિશંકર ગોવડા, વાસુકી વૈભવ મહત્વની ભૂમિકામાં છે. સુદીપ તેની એકશન ફિલ્મો માટે જાણીતો છે અને ‘એગા’, ‘હુટચા’, ‘નાન્ધી’, ‘સ્વાથી મુથ્થુ’, ‘કેમ્પે ગોવડા’, ‘બચ્ચન’, ‘વીરા મદાકરી’, ‘જસ્ટ માથ માથાલી’, ‘વિષ્ણુ વર્ધન’, ‘સ્પર્શ’, ‘મુકુંદા મોરારી’, ‘હુબ્બાલી’, ‘પાલીવાન’ જેવી ફિલ્મોનો સફળ સ્ટાર છે. હિન્દીમાં રામગોપાલ વર્માએ તેને ‘રન’માં અમિતાભ બચ્ચન સાથે તક આપી હતી. પણ તેમાં રિતેશ દેશમુખ, પરેશ રાવલ વગેરે હતા એટલે તેની ભૂમિકા આંખે ચડી નહોતી. સુદીપ કન્નડ અભિનેતા છે અને 2003ની કિચ્ચા’થી જાણીતો છે. અત્યારે 48નો થઇ ચુકેલો માત્ર અભિનેતા નથી નિર્માતા, દિગ્દર્શક પટકથાકાર અને ટેલિવિઝન પ્રેઝન્ટર પણ છે.

‘વિક્રમ રોના’ તો ડબ્ડ ફિલ્મ તરીકે રજૂ થશે અને આ પહેલાં ‘રકત ચરિત્ર’માં તેલુગુ સાથે હિન્દીમાં રજૂ થયેલી. એજ રીતે તે ‘દબંગ-3’માં પણ હતો. તે મુંબઇની રોશન તનેજા સ્કૂલ ઓફ એકટિંગમાં પણ અભિનય અને હિન્દી શીખ્યો છે. કિચ્ચા કચ્ચો રહેવા માંગતો નથી. બાકી તે 1997થી ફિલ્મોમાં છે અને હિન્દીમાં તો 2008ની ‘ફૂંક’થી આવ્યો છે પણ ધારણા મુજબ સફળ નથી ગયો. પણ ‘વિક્રાંત રોના’ મોટી ફિલ્મ છે. પચાસેક વર્ષ પહેલાના દૂરના ગામની વાત છે. વરસાદી જંગલવાળા એ ગામમાં અચાનક અણધારી રહસ્યમય ઘટના બનવા માંડે છે. શું છે આ સુપરનેચરલ ગણાતી ઘટનાનું રહસ્ય? ‘દબંગ-3’નો વિલન કચ્ચા સુદીપ આ રહસ્ય ઉઘાડશે. એસ.એસ. રાજામૌલીની ‘એગા’નો હીરો રહેલો સુદીપ સાઉથમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂકયો છે.

‘વિક્રમ રોના’નો દિગ્દર્શક અનુપ ભંડારી છે જેની ‘રાંગીતરંગા’ અને ‘રાજારથ’ ફિલ્મો રજૂ થઇ ચૂકી છે અને અત્યારે ‘બિલ્લા રંગા બાશા’ના દિગ્દર્શનમાં વ્યસ્ત છે. પણ સુદીપે પોતે દિગ્દર્શીત કરેલી ‘ઓટોગ્રાફ’, ‘નંબર 73’, ‘શાંથિ નિવાસ’, ‘વીર મદાકારી’, ‘જસ્ટ માથ માથાલી’, ‘કેમ્પે ગોવડા’ અને ‘માનીકયા’ પણ પ્રેક્ષકોને ગમી છે. તેની પોતતાની પ્રોડકશન કંપની હેઠળ તેણે છ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. વીસ વર્ષ પહેલાં પ્રિયા રાધાક્રિષ્નાને પરણેલો કિચ્ચા એક દિકરાનો પિતા છે. કિચ્ચાને કન્નડ ફિલ્મોનો એક ઉત્તમ અભિનેતા ગણવામાં આવે છે. હવે જોવાનું છે કે ‘વિક્રમ રોના’ તેને હસાવે છે કે રડાવે છે. આ ફિલ્મ પાસે તે મોટી સફળતાની અપેક્ષા રાખે છે કારણ કે વિત્યા છ મહિનામાં સાઉથના જે સ્ટાર સફળ થયા તેની સાથે તેની તુલના થવાની છે. હિન્દી ફિલ્મના સ્ટાર્સ સાથે પણ એવી જ તુલના થશે પણ તેની તેને ચિંતા નથી. ફિલ્મની સફળતા જ બધા સવાલોનો જવાબ હોય છે. •

Most Popular

To Top