Entertainment

સાઉથની શાલિનીની હિન્દીમાં પણ પા પા પગલી…

સાઉથથી આવી મુંબૈયા હિન્દી ફિલ્મોમાં સ્થાન મેળવવા મથનારામાં એક રશ્મિકા મંદાના જ નથી, શાલિની પાંડેનું નામ પણ ઉમેરી લો. ‘જયેશભાઇ જોરદાર’માં તે જોર ન કરી શકી, અથવા કહો કે ફિલ્મ જોર ન કરી શકી એટલે શાલિની પણ જોર વિનાની પૂરવાર થઇ પણ તે ફિલ્મ તો પુરી થઇ. સારો બેટસમેન ખરાબ ગયેલી ઇનિંગને યાદ નથી રાખતો, બલ્કે જે નવી ઇનિંગ રમવાની હોય તેની પર જ ધ્યાન આપે છે. શાલિની પણ એવું જ કરી રહી છે. જેણે સાઉથમાં ‘અર્જુન રેડ્ડી’ જેવી સકસેસફુલ ફિલ્મથી શરૂઆત કરી હોય તે શું કામ એકાદ ફિલ્મ પછડાવાથી શાંત પડે? સાઉથની આઠેક ફિલ્મ પછી તે હિન્દી ફિલ્મમાં એટલે જ તો આવી છે કે કાંઇ કરી દેખાડવું છે.

હા, તેની પહેલી હિન્દી ફિલ્મ ‘બમ્ફાડ’ પણ આદિત્ય રાવલ જેવા નવા હીરોની તે નવી હીરોઇન તરીકે લોન્ચ થઇ હતી. હવે તે ‘મહારાજા’ ફિલ્મમાં આમીરખાનના દિકરા જૂનૈદ ખાનની હીરોઇન તરીકે આવી રહી છે. એવું લાગે છે કે હવે સ્ટાર્સના સંતાનો શાલિની સાથે લોન્ચ થશે. હા, બધો આધાર હવેની સકસેસ પર છે. શાલિની હવે હિન્દીમાં જ આગળ વધવા માંગે છે એટલે સાઉથની ફિલ્મોથી દૂર રહે છે. હા, અત્યારે માધવન, અનુષ્કા શેટ્ટી સાથેની ‘સાયલન્સ’ છે જે બે ભાષામાં બને છે. બાકી હિન્દી સિવાયની ફિલ્મો સ્વીકારતી નથી. તે ‘ગંદી બાત’ નામની વેબસિરીઝમાં પણ આવી હતી પણ અત્યારે તેની પાસે જે ફિલ્મો છે તેમાં એક તો ‘ક્રેફી લમ્હે’ છે અને તે એકદમ હોટ કોમેડી ફિલ્મ છે. અન્ય એક ફિલ્મ તે ‘હોન્ટેડ રુહ’. અત્યારે ભૂતોવાળી ફિલ્મોનું ભૂત ફિલ્મોદ્યોગને વળગ્યું છે એટલે શાલિની તેમાં રુહ બનીને આવશે. શાલિની એવી ભૂમિકાઓ કરે છે જે પ્રેક્ષકોની નજરે ચડે. ‘જયેશભાઇ જોરદાર’માં ગર્ભવતી દેખાવાનું હતું તો તે તૈયાર થયેલી. •

Most Popular

To Top