ગાંધીનગર: રાજસ્થાનના (Rajasthan) કોટા ઉપરથી આવી રહેલી એક લો પ્રેશર સિસ્ટમ સરકીને ગુજરાત (Gujarat) તરફ આવી રહી છે, જેના પગલે હવે આગામી પાંચ દિવસ દરમ્યાન રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ (Rain) પડવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે વલસાડ, નવસારી, ડાંગ સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી છે. રાજ્યમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે. સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ અરજી સમુદ્રમાં ઓખાથી 70 કિમી દૂર આકાર પામેલી લો પ્રેશર સિસ્મટ (વાવાઝોડુ) દરિયામાં જ નબળુ પડી જવા પામ્યુ છે.
નવસારી જિલ્લામાં વરસાદી ઝાપટા, ખેરગામ તાલુકામાં અડધો ઇંચ
નવસારી : નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટી જતા માત્ર વરસાદી ઝાપટા જ પડી રહ્યા છે. જેમાં ખેરગામ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજ તરફ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યા બાદ હવે વરસાદનું જોર ઘટી ગયું છે. જેથી જિલ્લામાં માત્ર વરસાદી ઝાપટા જ પડી રહ્યા છે. ક્યારેક વાતાવરણમાં ઉઘાડ પડતો હોય છે. તો અચાનક વાતાવરણમાં પલટો આવી જતા વરસાદ પડી જાય છે.
ગત રવિવારે સાંજે 6 વાગ્યેથી સોમવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, ખેરગામ તાલુકામાં 18 મિ.મી., ચીખલી તાલુકામાં 11 મિ.મી., વાંસદા તાલુકામાં 8 મિ.મી., ગણદેવી તાલુકામાં 7 મિ.મી., નવસારી તાલુકામાં 3 મિ.મી. અને જલાલપોર તાલુકામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો છે. અતિ ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાઇ માટે આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. પુર અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની 213 મેડીકલ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. બિમાર વ્યક્તિને સારવાર મળી રહે તે માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં 111 મેડીકલ કેમ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે.
નવસારી તાલુકાના 104 કુટુંબોને 2.08 લાખની ઘરવખરી સહાય ચુકવાઈ
નવસારી તાલુકામાં ભારે વરસાદના કારણે લોકોની ઘરવખરીને નુકશાન થયું હતું. જે અન્વયે નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની સીધી દોરવણી હેઠળ અસરગ્રસ્તોને તત્કાલ સહાય મળી રહે તે હેતુસર તાલુકા પંચાયતની ટીમ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 104 કુટુંબોને 2.08 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. તેમજ આઠ કુટુંબોને કપડા સહાય પણ અપાઇ હતી.