બેઇજિંગ: દક્ષિણ ચીનમાં (South China) ભારે વરસાદને (Heavy rain) કારણે પૂરની (Flood) સ્થિતિ સર્જાઇ છે. વરસાદને કારણે સર્જાયેલા અનેક અકસ્માતોમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત (Death) થયા છે અને અન્ય ત્રણ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સીએ વુપિંગ કાઉન્ટીના માહિતી કાર્યાલયને ટાંકીને જણાવ્યું હતું કે ફુજિયન પ્રાંતમાં ભૂસ્ખલનથી બે ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં આઠ લોકોના મોત થયા હતા.
એક અહેવાલમાં જણાવ્યું હતું કે યુનાન પ્રાંતમાં અન્ય પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ ગુમ થયા હતા. જ્યારે ગુઆંગસી પ્રદેશમાં શિનચેંગ કાઉન્ટીમાં શુક્રવારે ત્રણ બાળકો પૂરના પાણીમાં તણાઇ ગયા હતા, જેમાંથી બેના મોત થયા હતા અને એકને બચાવી લેવામાં આવ્યો હતો.
રસ્તાઓ, પુલો, પાવર પ્લાન્ટને નુકસાન
ચીનમાં પૂરને પગલે યુનાન પ્રાંતના ક્યુબેઈ કાઉન્ટીમાં રસ્તાઓ, પુલ, ટેલિકોમ્યુનિકેશન અને પાવર પ્લાન્ટને નુકસાન થયું હતું. આ સ્થળ વિયેતનામ બોર્ડરથી 130 કિમી દૂર છે. ટ્રાફિક વ્યવસ્થાને માઠી અસર થઈ છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વહીવટી તંત્ર દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
વૂપિંગ કાઉન્ટીમાં વરસાદ ચાલુ છે
મળતી માહિતી મુજબ ફુજિયાનમાં એક ફેક્ટરીના કાટમાળમાંથી પાંચ અને રહેણાંક મકાનના કાટમાળમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. વૂપિંગ કાઉન્ટીમાં ગુરુવાર સાંજથી વરસાદ પડી રહ્યો છે. ઓનલાઈન શેર કરાયેલા એક વીડિયોમાં, શેરીઓ કાદવવાળા પાણીથી ભરેલી છે. ઘણી જગ્યાએ રસ્તાઓ આંશિક રીતે ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.
ચીનમાં 1 હજાર વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો
વર્ષ 2021માં ચીનમાં 1,000 વર્ષમાં સૌથી વધુ ભારે વરસાદ પડ્યો હતો. તેના કારણે હેનાન પ્રાંતમાં આશરે 30 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. જ્યારે 2,15,200 હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું હતું. તેમજ લગભગ 1.22 અબજ યુઆન (લગભગ 1886 કરોડ યુએસ ડોલર) સુધીનું આર્થિક નુકસાન થયું હતું.