Gujarat

દક્ષિણ ગુજરાત ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – બીજા દિવસે સુરતમાં MSME કોન્ક્લેવ, ઉત્કૃષ્ટ MSME એકમોને 5 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવશે

ગાંધીનગર,તા.3
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે રાજ્યના ઔદ્યોગિક વિકાસની મજબૂત ઓળખ બની ચૂકી છે. અગાઉ યોજાયેલી 10 વાયબ્રન્ટ સમિટની સફળતા બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં ‘વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ’નું આયોજન કર્યું છે.આ અંતર્ગત દક્ષિણ ગુજરાત ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ આગામી 9 અને 10 એપ્રિલ, 2026ના રોજ સુરત ખાતે યોજાશે. આ ઝોનમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગ, રોકાણ અને વિકાસ સંબંધિત વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો સહિતના બહુ-આયામી કાર્યક્રમો યોજાશે. કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે 10 એપ્રિલ, 2026ના રોજ સુરત ખાતે વિશેષ ‘MSME કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ MSME કોન્ક્લેવમાં માહિતીસભર સેમિનારો, પેનલ ડિસ્કશન, એક્ઝીબિશન તેમજ વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો યોજાશે, જે દક્ષિણ ગુજરાતના માઇક્રો અને સ્મોલ ઉદ્યોગોને નવા અવસરો અને બજાર સાથે જોડશે.

ઉપરાંત, દક્ષિણ ઝોનના છ જિલ્લાઓમાં કાર્યરત માઇક્રો તથા સ્મોલ એકમોમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનાર ઉદ્યોગકારોને કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ માટે વિવિધ શ્રેણીઓ નીચે મુજબ છે.

  • યુવા ઉદ્યોગ સાહસિક – 35 વર્ષથી ઓછી ઉંમરના ફર્સ્ટ જનરેશન ઉદ્યોગકારો
  • મહિલા ઉદ્યોગ સાહસિક – 51 ટકા અથવા વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમો
  • અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક
  • અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક
  • જનરલ કેટેગરી એવોર્ડ – ઉપરોક્ત ચાર શ્રેણીમાં આવરી ન લેવાતા ઉદ્યોગકારો (જેમ કે SEBC)
  • નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરેલા અને પાત્ર MSME એકમો આ એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકશે. આ એવોર્ડ માટે વધુ વિગતો મેળવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.

Most Popular

To Top