વાંસદા: (Vasda) વાંસદા પંથક સહિત તાલુકામાં તા. ૧૩ મે ના રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વાતાવરણ કાળા વાદળોથી ઘેરાઈ જવા પામ્યું હતું. ત્યારબાદ જોરદાર વાવાઝોડા (Cyclone) અને ગાજવીજ સાથે વાંસદા , ચારણવાડા, હનુમાનબારી, રાણીફળિયા, ભીનાર અને મહુવાસ સહિત અનેક ગામોમાં કરા સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો.
- વાંસદા પંથક સહિત અનેક ગામોમાં કરા સાથે વરસાદ
- મહુવાસ ખાતે સરા-કેવડી ત્રણ રસ્તા પાસે ફોરેસ્ટ ચેકપોસ્ટના તમામ પતરાં ઉડી ગયા
વરસાદી વાવાઝોડામાં વાંસદા તેમજ ગ્રામ્ય વિસ્તારના મકાનો અને ખેતરોના પતરા ઉડી ગયા હતા. તથા વાંસદા પંથકમાં રહેતા એક પરિવારના ઘર ઉપર તોતિંગ વૃક્ષ ધરાસાઈ થતા પરિવારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. મહુવાસ ખાતે સરા – કેવડી ત્રણ રસ્તા પાસે આવેલ ફોરેસ્ટ ચેકપોસ્ટના તમામ પતરાં ઉડી જતા ચેકપોસ્ટને નુકસાન થયું હતું. વાવાઝોડાને પગલે કેરીનો ઊભો પાક ખરી જતા ખેડૂતો અને વેપારીઓએ પણ વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદના પગલે થોડા સમય માટે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, બાદમાં સમગ્ર વાતાવરણ ખુલ્લું થઈ જવા પામ્યું હતું.
ડાંગ પંથકમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને બરફનાં કરા પડ્યાં
સાપુતારા: સમગ્ર ડાંગ જિલ્લાનાં ગામડાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગતરોજ સાપુતારા, આહવા ,વઘઈ, શામગહાન સહિત આસપાસનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જોરદાર વાવાઝોડાની સાથે બરફનાં કરા પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સ્થિતિમાં ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો. તેમજ આજરોજ સોમવારે તાપી – ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તાર સહિત વઘઇ પંથકમાં પણ બરફના કરા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો હતો.
ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, કેમકે સતત બીજા દિવસે પણ સમગ્ર ડાંગ જિલ્લામાં ગાજવીજ તથા કાળા ડીબાંગ વાદળો ઉતરી આવ્યા હતા અને અચાનક વાતાવરણમાં પલટા સાથે અમુક ઠેકાણે કમોસમી વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા, આહવા ,શામગહાન સહિતના આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરબાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ તાપી અને ડાંગ જિલ્લાનાં સરહદીય વિસ્તારમાં તથા વઘઇ પંથકમાં બરફના કરા અને વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર ડાંગ જિલ્લામાં અને તાપી જિલ્લાના સરહદીય વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. આમ, ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.