વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોનાના કારણે જિલ્લા કલેક્ટર રાવલે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો શનિ-રવિ બંધ રાખવા સુચના આપી છે. રવિવારે (Sunday) તિથલ દરિયા કિનારો (sea shore) બંધ રાખી પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેના કારણે ફરવા આવતા સહેલાણીઓએ પરત થવું પડ્યું હતું.
રાજયમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસના કારણે તકેદારીના ભાગરૂપે વલસાડ કલેકટર રાવલે તમામ પ્રવાસન સ્થળો શનિ-રવિ સહેલાણીઓ માટે બંધ રાખવા સૂચના આપી હતી. વલસાડના તિથલ દરિયા કિનારે રવિવારે સુરત, અમદાવાદ, મુંબઈથી સહેલાણીઓ ફરવા આવતા હોય કોરોનાના કારણે દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેના કારણે લોકોને પરત ફરવું પડ્યું હતું. તિથલ ખાલીખમ જોવા મળ્યું હતું.
સોશિયલ મીડિયા પરના મેસેજ ખોટા
સોશિયલ મીડિયા પર તિથલ તથા સ્વામિનારાયણ મંદિરે લોકોના ટોળાં વધારે હોય તેવા ખોટા મેસેજ વાયરલ થતા વલસાડ ડીવાયએસપી મનોજસિંહ ચાવડા, ઈન્ચાર્જ સિટી પી.આઈ.પરમાર તેમની ટીમ સાથે તિથલ દરિયા કિનારે પહોંચી ગયા હતા. જોકે પોલીસ પહોંચી ત્યારે તિથલ તથા સ્વામિનારાયણ મંદિર ખાલીખમ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થયો હતો, તે ખોટો હતો. જેથી ડીવાયએસપી ચાવડાએ સોશિયલ મીડિયાના મેસેજથી દૂર રહેવા અને હાલમાં કોરોના સંક્રમણ વધતાં લોકોને ઘરમાં રહેવા માટે જણાવ્યું હતું.
દમણમાં કોરોનાના વધુ 4 કેસ, એક્ટિવ સંખ્યા 24 ઉપર પહોંચી
દમણ : સંઘપ્રદેશ દમણમાં રવિવારે વધુ 4 કેસ કોરોના પોઝિટિવનાં દાખલ થયા છે. જેને લઈ હવે પ્રદેશમાં એક્ટિવ કોરોના પોઝિટિવની સંખ્યા 24 ઉપર પહોંચી છે. આજે 2 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં 1408 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજવા પામ્યું હતું. સોમવાર 22 માર્ચે સવારે 10 થી સાંજે 5 સુધી કોવિડ-19 ની રસીકરણનું કાર્ય સરકારી હોસ્પિટલ મરવડ, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર મોટી દમણ, પ્રાયમરી હેલ્થ સેન્ટર ડાભેલ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કડૈયા, ખારાવાડ, ભીમપોર, કુંડ ફળિયા, વરકુંડ, દૂનેઠા, ડોરીકડૈયા તથા પ્રાયમરી હેલ્થ સેન્ટર કચીગામ ખાતે કરવામાં આવશે.