સુરત: મહિને કેટલી વીજળી (Electricity) વાપરવી છે તે હવે તમે જાતે નક્કી કરી શકશો. મોબાઈલ, ડીશ ટીવીની જેમ હવે શહેરીજનો વીજળીના વપરાશ માટે પણ અગાઉથી રિચાર્જ (ઈecharge) કરી શકશે. દક્ષિણ ગુજરાત વીજકંપની (DGVCL) આગામી દિવસોમાં ઘરે ઘરે પ્રી પેઈડ વીજ મીટર (Prepaid electricity meter) લગાવવા જઈ રહી છે. એટલે કે પહેલેથી જ નક્કી કરી લેવાનું કે મહિને કેટલી વીજળી વાપરવી છે અને તે અનુસારનો પ્લાન રીચાર્જ કરાવવાનો રહેશે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની આગામી જાન્યુઆરી મહિનાના અંતથી શહેરમાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર લગાડવાનો આરંભ કરવા જઈ રહી છે. પ્રારંભિક તબક્કામાં વીજકંપની સરકારી કચેરીઓમાં પ્રિપેઈડ મીટર લગાડાશે. ત્યાર બાદ તે રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગોમાં લગાડવામાં આવશે. જોકે, પ્રાથમિક તબક્કામાં પ્રાયોગિક ધોરણે પીપલોદ વિસ્તારના ઘરોમાં પણ પ્રિપેઈડ વીજ મીટર મુકાશે. પીપલોદમાં ટેસ્ટિંગ કરાયા બાદ તબક્કાવાર રીતે સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ સહિતના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાડવાનું વીજકંપનીનું પ્લાનિંગ છે.
હાલમાં વીજ મીટર લગાડનારી કંપની પાસે 40,000 વીજ મીટરનો સ્ટોક છે. તેમજ આંતરિક ટેસ્ટિંગની કામગીરી ચાલુ પણ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધીમાં પૂરી થવાનો અંદાજ છે. તેથી જાન્યુઆરીના અંતમાં પ્રિપેઈડ વીજ મીટરો લગાડવાનો આરંભ કરી દેવાશે.
ગ્રાહકો પાસે સ્માર્ટ વીજમીટર માટે ચાર્જ નહીં વસૂલાય
એક સ્માર્ટ મીટરની કિંમત 8થી 10 હજાર રૂપિયા છે. પરંતુ વીજગ્રાહકો પાસેથી વીજ મીટરનો એકપણ રૂપિયો ચાર્જ વસૂલાશે નહીં. સ્માર્ટ વીજ મીટર લગાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય વીજચોરી અટકાવવાનો છે. સ્માર્ટ મીટર લાગી ગયા બાદ વીજચોરી કરનારાઓની સરળતાથી પકડી શકાશે. કેમકે, પ્રિપેઈડ વીજ મીટર લગાડાયા બાદ મીટરદીઠ વીજળીના ડેટા મળશે. જેના આધારે વીજચોરી કરનારાઓને પકડવામાં ખૂબ જ સરળતા રહેશે.
રીચાર્જ પૂરું થાય તો પણ ચિંતા નહીં
હવે વીજગ્રાહકોને સૌથી મોટો પ્રશ્ન એ છે કે, અડધી રાત્રે રિચાર્જ પુરું થઈ જશે તો પાવર સપ્લાય બંધ થઈ જશે, પરંતુ એવું નથી. રિચાર્જ પૂરું થઈ ગયા બાદ વીજગ્રાહકો 8થી 10 કલાકના સમયગાળામાં રિચાર્જ કરાવી શકશે. તેમજ રજાના દિવસોમાં 24 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તેમજ રિચાર્જ પૂરું થયા બાદ જેટલો વપરાશ થશે તેટલી રકમ રિચાર્જ કરાવ્યા બાદ આપોઆપ કપાઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો રિચાર્જ પૂરું થાય એટલે તુરંતુ જ વીજ સપ્લાય બંધ થશે નહીં. તેમજ કોઈ વ્યક્તિને રિચાર્જ કરવા નહીં આવડે તો બિલ કનેક્શનના સેન્ટર ધરાવતા લોકો પણ રિચાર્જ કરી આપશે.