Dakshin Gujarat Main

દક્ષિણ ગુજરાતમાં આથમતા સૂર્યને આર્ધ્ય આપી છઠ પૂજાની ઉજવણી કરાઈ

સંઘપ્રદેશ દમણમાં (Daman) વસતા ઉત્તરભારતીયો દ્વારા છઠ પૂજાની (Chath Puja) ધાર્મિક પરંપરાઓ સાથે વિધિવત ઉજવણી કરાઈ હતી. પ્રશાસન દ્વારા કોવિડના જરૂરી નીતિ નિયમો સાથે પ્રદેશમાં છઠ પૂજાની ઉજવણી કરવાની અપાયેલી પરવાનગી બાદ બુધવારના રોજ પ્રદેશમાં વસતા ઉત્તરભારતીય પરિવારોએ (North Indian families) નાની દમણ સી-ફેસ જેટી કિનારે વિધિવત આથમતા સૂર્યદેવની પૂજા (Worship of the Sun God) અર્ચના કરી હતી. સમગ્ર વર્ષ તેમનું અને તેમના પરિવારોનું ફળદાયી નીવડે એવી સૂર્યદેવ પાસે કામનાઓ કરી હતી. જો કે, આ વખતે પ્રશાસને દરિયામાં કે તળાવ અને જળાશયોમાં કોઈને પણ ન જવાનો આદેશ કરતા લોકોએ પણ પ્રશશનના આદેશનું પાલન કરી દરિયા કિનારે જ પૂજાવિધિ સંપન્ન કરી હતી. કોઈ અનિચ્છનિય બનાવ ન સર્જાય અને લોકોની ખોટી ભીડ એકત્ર નહીં થાય એ માટે પોલીસ જવાનો પણ દરેક જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા હતાં.

વાપીમાં છઠપૂજાનો કાર્યક્રમ રંગચંગે ઉજવાયો

વાપી: વાપી ખાતે પણ મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી બાદ આવતો છઠપૂજાનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો હતો. વાપી નજીક દમણગંગા નદી કિનારે ઉત્તર ભારતીય સમાજની મહિલાઓએ વિધિવત ડૂબતા સૂરજને અર્ઘ્ય આપી પોતાના પરિવારની સુખ-શાંતિ-સમૃધ્ધિ માટે પ્રાથના કરી હતી. આ ઉત્સવમાં કોઇ ખલેલ નહીં પહોંચે તે માટે વાપીના જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં આવતાં 19 પોઈન્ટ ઉપર હોમગાર્ડ, જીઆરડી સહિત કુલ 70 પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં છે. જ્યારે ડુંગરા પોલીસ વિસ્તારમાં આવતાં 7 પોઈન્ટ પર 35 થી વધુ પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા છે.

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠપૂજા કાર્યક્રમ યોજાયો

સેલવાસ: કારતક માસના છઠના દિને સાંજે ડૂબતા સૂર્યને અર્ઘ પ્રદાન કરી નદીના ઘાટ પર પૂજા કરવામાં આવે છે, અને બીજા દિવસે સાતમના દિને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. જે રીતે દાનહમાં પણ ઉત્તર ભારતીય અને બિહાર સમાજ દ્વારા પણ સેલવાસ દમણગંગા નદી કિનારે, ડોક્મરડી ખાડી કિનારે, બાવીસા ફળિયા મહાદેવ મંદિર નજીક નદી કિનારે, ડોકમરડી આગ્રિવાડ, રખોલી ગામે દમણગંગા નદી કિનારે અને બિન્દ્રાબિન ખાતે પણ છઠપૂજાનુ આયોજન કરાયું હતુ. જેમાં બિહાર સમાજના આગેવાનોએ પણ સોશિયલ ડીસ્ટન્સ સાથે પૂજામા ભાગ લીધો હતો અને પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પૂજામા કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે દાનહ પ્રસાશન દ્વારા કોવિડ-19ને ધ્યાનમાં રાખી કોરોના વોરિયર્સ, સ્કાઉટ ગાઈડની ટીમ, મેડીકલ ટીમ અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

Most Popular

To Top