સુરત: મકર સંક્રાંતિના (MakarSankranti) દિવસે પવનની દિશા બદલાય ત્યાર બાદથી જ સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) ઠંડી (Cold) વધી છે. ઉત્તરાયણને (Uttrayan) રવિવારની રાત્રે સુરત શહેરમાં ઠંડીનો પાર 15 ડિગ્રીથી નીચે ઉતર્યો હતો, જે મંગળવારે વધુ ઘટ્યો હતો. મંગળવારની રાત્રિ મૌસમની સૌથી ઠંડી રાત બની હતી.
મંગળવારે રાત્રે સુરત શહેરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલિસિયસ નોંધાયું હતું. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 16 જાન્યુઆરીએ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી સેલિસિયસ નોંધાયું હતું.
એકાએક ઠંડી વધતા શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન પતંગ ચગાવીને થાકેલા સુરતીઓ રાત્રે સ્વેટર પહેરવાની ફરજ પડી હતી. રાતના સમયે બહાર આંટો મારવા નીકળતા શહેરીજનોએ ઘરમાં બેસવાની નોબત આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમવર્ષા શરૂ થતા ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાયો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી તાપમાનમાં વધારો થયો હતો.
ભરૂચ, તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું
ઉત્તરાયણના દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધી છે. ગઈકાલે ભરૂચ પંથકમાં દિવસનું તાપમાન 21, રાત્રે 14 ડિગ્રી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આગામી સપ્તાહમાં પુન: ઠંડીનો ચમકારો અનુભવાશે. દિવસનું અને રાત્રિનું તાપમાન ઘટશે.
તાપી જિલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસના માહોલ જોવા મળતાં વાહનચાલકોને વાહન હંકારવાની પણ મુસીબત પડી રહી છે. તો ઠેર ઠેર તાપણાં બેઠક પણ જામી રહી છે. સોમવારે મહત્તમ ૨૭ ડિગ્રી અને લઘુત્તમ ૧૨ ડિગ્રી તાપમાનનો અનુભવ થયો હતો. તો હવાની ગતિ ૫ કિ.મી./ કલાક છે.
નવસારીમાં પારો 10 ડિગ્રી પર પહોંચ્યો
દરમિયાન નવસારીમાં સોમવારે ઠંડીનો પારો 4.4 ડિગ્રી ગગડતા તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. જ્યારે નવસારીમાં સિઝનનો અને વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 99 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 40 ટકાએ રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 1.7 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.