ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી આવેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાક દરમ્યાન માવઠું થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ કરાઈ છે. બીજી તરફ રાજયમાં આજે દિવસ દરમ્યાન ચાર શહેરોમાં 41 ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
- દક્ષિણ ગુજરાત સહિત 16 જિલ્લાઓમાં આજે માવઠાની વકી
- ચાર શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ
અરબી સમુદ્ર પરથી સરકીને આવેલી સિસ્ટમની અસર હેઠળ આગામી 24 કલાકમાં રાજયમાં પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે તેજ ગતિએ પવન ફૂંકાવવા સાથે માવઠું થઈ શકે છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા , અરવલ્લી, ખેડા , પંચમહાલ, દાહોદ, મહીસાગર , વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા , સુરત , ડાંગ , તાપી , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 41 ડિ.સે., ડીસામાં 40 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે., સુરતમાં 38 ડિ.સે., વલસાડમાં 36 ડિ.સે. દમણમાં 34 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે.,નલિયામાં 34 ડિ.સે., કંડલા પોર્ટ પર 34 ડિ.સે ., કંડલા એરપોર્ટ પર 37 ડિ.સે., અમરેલીમાં 40 ડિ.સે., ભાવનગરમાં 37 ડિ.સે.,રાજકોટમાં 41 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41 ડિ.સે., મહુવામાં 38 અને કેશોદમાં 38 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
દક્ષિણ ગુજરાતમાં ભરઉનાળે માવઠું
કામરેજ, વ્યારા, વાંકલ, ડેડિયાપાડા: ભરઉનાળે સુરત, તાપી અને નર્મદા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને અનેક જગ્યાએ માવઠું થયું હતું. માવઠું થતાં કેરી, તરબૂચ, મકાઈ સહિતનો પાક લેતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
કામરેજ ચાર રસ્તાની આસપાસના વિસ્તારોમાં સવારના 9ની આસપાસ કમોસમી વરસાદ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વ્યારા, સોનગઢ, ઉચ્છલ, વાલોડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉનાળામાં સવારે અચાનક કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. કમોસમી વરસાદ થતાં જિલ્લામાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરૂર મળી છે. પરંતુ વરસાદને કારણે કેરી સહિતના પાકોને ભારે નુકસાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.