Dakshin Gujarat

પોતાને ડાંગના જંગલોનો રાજા ગણાવતા ‘પુષ્પરાજ’ની પોલીસે કરી આવી હાલત

સાપુતારા : (Saputara) જંગલોમાંથી ચંદનની તસ્કરીની સ્ટોરી પર બનેલી પુષ્પરાજ ફિલ્મે તાજેતરમાં લોકમાનસમાં ખૂબ ક્રેઝ ઉભો કર્યો છે. જંગલને બાપીકી જાગીર સમજતા આવા પુષ્પરાજ દક્ષિણ ગુજરાતના (South Gujarat) ડાંગ જિલ્લામાં (Dang Forest) પણ જોવા મળે છે. અહીં તો એક યુવક પોતે ડાંગ જિલ્લાનો રાજા હોવાનો દાવો કરે છે અને ડાંગના જંગલોની જમીન પર કબ્જો કરે છે. એટલું જ નહીં તે યુવક અહીં લોકશાહી પદ્ધતિથી થતી ચૂંટણીનો પણ વિરોધ કરતો રહે છે. આ યુવકને પોલીસે હવે પોતાના સંકજામાં લીધો છે. ડાંગ જિલ્લાનાં કથિત છઠા રાજવીએ ગેરકાયદેસર મંડળી બનાવી જંગલની જમીન પચાવી પાડવાનો કારસો રચતા ડાંગ દક્ષિણ વન વિભાગની ટીમે કથિત રાજવીની ધરપકડ (Dang Sixth King Arrest) કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

  • કથિત છઠા રાજવીએ ગેરકાયદે મંડળી બનાવી જંગલની જમીન પચાવી પાડવાનો કારસો રચતા વન વિભાગે ધરપકડ કરી
  • કથિત છઠા રાજવીએ કલેક્ટરને ખુરશી પર બેસવાનો અધિકાર નહીં હોવાનો વિવાદ છેડ્યો હતો

ડાંગ જિલ્લામાં કુલ મૂળ પાંચ રાજવીઓને સરકાર પોલિટિકલ પેન્શન આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કથિત છઠા રાજવી એવા ગનસુ ગટુજી પવારે પણ રાજા હોવાનો દાવો કરી વહીવટી તંત્રનાં નાકે દમ લાવી દીધો હતો. આ કથિત છઠા રાજવીએ અગાઉનાં કલેક્ટર એન.કે.ડામોરને પણ પ્રથમ દિવસે કલેક્ટરની ખુરસી પર બેસવાનો અધિકાર નથી તેમ જણાવી વિવાદ કર્યો હતો. હાલમાં ડાંગ જિલ્લામાં ચૂંટણીને પણ ગેરબંધારણીય બતાવી ઠેરઠેર પોસ્ટરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે કહેવાતો કથિત છઠા રાજવી એવા ગનસુ ગટુજી પવાર (રહે. ઉખાટીયા) દ્વારા દક્ષિણ વન વિભાગ હસ્તકની ચિચીનાગાવઠા રેંજનાં ડુંગરડા બીટનાં રિઝર્વ ફોરેસ્ટ 303માં ઘુસી ગયો હતો. આ કથિત છઠા રાજવી દ્વારા વઘઇ તાલુકાનાં ડુંગરડા ગામે મીટિંગ કરી ડોકપાતળ, વાનરચોંડ, હનવતચોંડ, વઘઇ, ડુંગરડા, ઢુંઢુનિયા જેવા અનેક ગામોનાં લોકોને ભેગા કરી ગેરકાયદે મંડળી રચી જંગલમાં જંગલ જમીનનો કબ્જો કરવાની તજવીજ હાથ ધરી હતી. જેની જાણ ડી.સી.એફ પ્રસાદ રવિ રાધાક્રિષ્નાને થતા તેઓએ એ.સી.એફ નિલેશ પંડ્યા સહિત આર.એફ.ઓ ગણેશ ભોયેની ટીમને સ્થળ પર મોકલતા જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરનાર ઇસમોમાં નાસભાગ મચી ગઇ હતી. દક્ષિણ વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરતા કથિત છઠા રાજવીનાં નેજા હેઠળ જંગલ જમીનમાં કબ્જો મેળવવાની તજવીજ માલુમ પડી હતી. જેથી ડી.સી.એફ પ્રસાદ રવિ રાધાક્રિષ્નાએ ડાંગનાં કથિત છઠા રાજવી ગનસુ ગટુજી પવાર તથા તેના સાગરીતોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top