surat : સુરતમાં ઉલ્ટી ગંગા શરૂ થઇ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કોરોના ( corona) સંક્રમણની બીજી લહેર સુરત શહેરમાં ઘાતકી નિવડી હોવા છતાં દક્ષિણ ગુજરાતની કંપનીઓ ઓક્સીજન સિલિન્ડર ( oxygen cylinder) , કોરોનાની દવાઓ, મીની વેન્ટિલેટર, બાઇ પેપ અને ઓક્સીજન ( oxygen) કોન્સનટ્રેટર અન્ય કોરોના અસરગ્રસ્ત શહેરોને મોકલી રહી છે. સુરતમાં ઓક્સીજન અને વેન્ટિલેટર બેડ, કોરોના પીડિત દર્દીઓને મળી રહ્યા નથી. બીજી તરફ વાપી, અંકલેશ્વર, ભરૂચ, પાનોલી, અતુલ અને સચિન જીઆઇડીસીની કંપનીઓ દવાઓ અને મેડિકલ સાધનો દિલ્લી અને કર્ણાટક જેવા કોરોના પ્રભાવિત રાજ્યોને મોકલી રહી છે. તેને લીધે સુરત એરપોર્ટના કાર્ગો ટર્મિનલના આંકડાઓ વધી રહ્યા છે.
9 મેંના રોજ દક્ષિણ ગુજરાતની દવાઓ અને મેડિકલના સાધનો બનાવતી કંપનીઓએ બે કાર્ગો વિમાન ભરીને સામગ્રી દિલ્હી અને બેંગ્લુરૂ મોકલાવી છે. આજે રવિવારે સ્પાઇસ જેટનું કાર્ગો વિમાન સુરત આવી કોરોનાના દર્દીઓ માટે મહત્વની ગણાતી 2741 કિલો દવાઓનો જથ્થો લઇ દિલ્લી પહોંચી હતી. જ્યારે જ્યારે ઇન્ડિગોનું સ્પેશ્યલ કાર્ગો વિમાન ઓક્સીજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સનટ્રેટર મીની વેન્ટિલેટર સહિતના સાધનો ભરી બેગ્લુરૂ ગયુ હતું. સુરતના એરપોર્ટ ( surat airport) ડાયરેક્ટર અમન સૈનીએ આ સંદર્ભની ટૂંકી વિગત ટ્વીટર પર પોસ્ટ કરી હતી. જેને લોકોએ વધાવી છે.
કોરોનાની પ્રથમ લહેરમાં પણ વિમાન મેડિકલ સાધનો લેવા સુરત એરપોર્ટ આવ્યા હતા
અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાની પ્રથમ લહેરમાં પણ ઇન્ડિયન એરફોર્સ ( ( indian airforce) ના વિમાન મેડિકલ સાધનો લેવા માટે દિલ્લી, પશ્ચિમ બંગાળ, આસામ અને જમ્મુ કાશ્મીરથી સુરત એરપોર્ટ આવ્યા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં કાર્ગો હેરફેરમાં સુરત દેશના કોઇ પણ એરપોર્ટ કરતા પ્રથમ ક્રમે રહ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21ના માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધી તેને લીધે સુરત એરપોર્ટથી 4967 મેટ્રિક ટન કાર્ગોની હેરફેર રહી હતી. જે સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ બન્યા પછી અત્યાર સુધીની સર્વાધિક હેરફેર હતી. અહીં પ્રશ્ન ઉભો એ થાય છે કે સુરતમાં જ્યારે ઓક્સીજન સિલિન્ડર અને વેન્ટિલેટર સહિતના જીવનરક્ષક સાધનોની જરૂરિયાત હતી ત્યારે દક્ષિણ ગુજરાતની આ ઉત્પાદક કંપનીઓ શા માટે સુરત, નવસારી અને ભરૂચ જિલ્લાની મદદે આવી ન હતી ? આ ત્રણેય જિલ્લાઓમાં કોરોનાની બીજી લહેર ઘાતક રહી હતી.