દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભાજપના (BJP) દિગ્ગજ નેતાનું કોરોનાથી નિધન થયું છે. તાપીમાં ભાજપના નેતાનું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત થયું છે. ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું બારડોલી(Bardoli) ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મહામંત્રી મોહનભાઇ ગામીત (Mohanbhai Gamit)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો બાદ તેમના કાર્યાલયનો સ્ટાફ પણ હવે કોરોનાના સંક્રમણમાં સપડાઈ રહ્યો છે. તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ પહેલાં બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આમ, એક જ કાર્યાલયમાં મંત્રી સહિત કુલ સાત લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયાં છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના કાર્યાલયમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે. નિતિન પટેલના કાર્યાલયમાં ત્રણ કેસ નોંધાયા છે. બે કમાંડો અને એક પ્યુન કોરોના સંક્રમિત થયા છે. અન્ય કર્મચારીઓના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે.
રાજ્યની રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણયમાં લોકડાઉન સામેલ નથી. એટલે કે હાલ તો રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર આઠ મહાનગર ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેંદ્રનગર અને ભરૂચમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.