ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસે બાતમી આધારે શનિવાર સાંજે વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારને (Car) 17 કીમી સુધી ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી હતી. રૂ.45600 ની 372 પાઉચ અને બોટલ, રૂ. 3.50 લાખની સિલ્વર રંગની આઈ-20 કાર, રૂ.500નો મોબાઇલ મળી રૂ. 3,96,100નો મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી, માલ ભરી આપનારને વોન્ટેડ (Wanted) જાહેર કર્યો હતો.
ગણદેવી પોલીસ (Gandevi Police) પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, સફેદ રંગની આઈ-20 કાર નં. જીજે 05 આર એફ 4287 માં વલસાડ તરફથી વિદેશી દારૂ (Liquor) ભરી સુરત તરફ જનાર છે. જે બાતમી આધારે પોલીસે હાઇવે નં. 48 ખારેલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી વાળી કાર આવતા ઉભી રાખવા તેને ઇશારો કરતા ચાલકે પોતાની કાર ઉભી નહી રાખી રાનકુવા તરફ પુરપાટ હંકારી ગયો હતો. જેનો પોલીસે 17 કીમી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. અને રાનકુવા સર્કલ થઈ પરત ટાંકલ તરફ જતી વેળા ટાંકલ માઇનોર નહેર ગણદેવા ગામ પાસે આંતરી કોર્ડન કરી હતી.
અને તલાશી લેતા રૂ. 45,600 ની 372 પાઉચ અને બોટલ, રૂ. 3.50 લાખની સિલ્વર રંગની આઈ-20 કાર, રૂ. 500નો મોબાઇલ મળી રૂ. 3,96,100નો મુદ્દામાલ સાથે કાર ચાલક છગન રામજી માલી (36 રહે. મોરાઈ ગામ, વાપી)ને ઝડપી, માલ ભરી આપનાર ક્રિષ્ના પવાર ઉર્ફે રાજકુમારને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગણદેવી પીએસઆઇ સાગર આહીરએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર પરથાણ ગામ પાસે ડાંગરના પુળેતિયાની આડમાં ખોટી નંબર પ્લેટ લગાવેલા ટેમ્પામાંથી નવસારી એલ.સી.બી. પોલીસે 1.58 લાખનો વિદેશી દારૂ સાથે સગીરને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર પરથાણ ગામ પાસે એક ટાટા એસ ટેમ્પો (નં. જીજે-19-વી-0477) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 1,58,400 રૂપિયાની વિદેશી દારૂની 744 નંગ બાટલીઓ મળી આવતા સગીરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પાની નંબર પ્લેટની ચકાસણી કરતા ટેમ્પામાં નંબર પ્લેટ ખોટી લગાવી હોવાનું જણાયું હતું. જે ટેમ્પાનો સાચો નંબર જીજે-21-ડબ્લ્યુ-9094 હતો. પોલીસે ઝડપાયેલા સગીરની પૂછપરછ કરતા સેલવાસમાં રહેતા મુકેશભાઈએ દારૂ ભરાવી આપ્યો હતો. તેનો માણસ કરમબેલી પાટિયા પાસે દારૂ ભરેલો ટેમ્પો આપી ગયો હતો. જ્યારે કામરેજથી સુરત તરફ જતા આશરે દોઢેક કિલોમીટર અંતરે આવેલી ખુલ્લી જગ્યામાં દારૂ ભરેલો ટેમ્પો મુકેશભાઈનો માણસ આવી લઇ જવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મુકેશભાઈ અને તેના 2 માણસોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 4 લાખનો ટેમ્પો, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 1200 રૂપિયા મળી કુલ્લે 5,64,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ભીલાડમાંથી રૂપિયા ૨.૬૮ લાખનો દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો પકડાયો
ઉમરગામ : વલસાડ એલસીબી પોલીસે ભીલાડમાંથી દારૂ ભરેલો આઇસર ટેમ્પો પકડી પાડી રૂપિયા ૨.૬૮ લાખનો દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા ૮.૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર ક્લીનરની અટક કરી હતી. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના તથા વલસાડ એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના કર્મચારીઓ મહેન્દ્રભાઈ ગામીત, યોગેશભાઈ રાઠોડ, નીતિનભાઈ ચૌધરી અને હરદેવસિંહ ભીલાડ વિસ્તારમાં પ્રોહીબીશન ગુનાઓ અંગે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે સેલવાસથી દારૂ ભરીને એક આઇસર ટેમ્પો અહીંથી પસાર થવાનો છે. જે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ સેલવાસથી ભિલાડ તરફ જતા રોડ ઉપર ભીલાડ તળાવપાડા પાસે રાત્રે વોચ રાખી હતી.
તે દરમિયાન એક આઇસર ટેમ્પો નંબર એમએચ -૪૭ વાય-૭૪૦૧ આવતા તેને અટકાવી તપાસ કરતા એવપ્લાસ્ટ પીઓપી બેગની આડમાં સંતાડીને લઈ જવાતો બીયર વિસ્કીટનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે બાટલી નંગ ૨૭૭૨ કિંમત રૂપિયા ૨૬૮૦૦૦ દારૂનો જથ્થો તથા ટેમ્પોની કિંમત રૂપિયા પાંચ લાખ, એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૮૦૫૦૦૦ નો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પોને ડ્રાઇવર અંકેશ કમલા પ્રસાદ યાદવ (રહે અંકલેશ્વર ભરૂચ મૂળ રહે યુપી) ટેમ્પોનો ક્લીનર આનંદ વસંત કામલે (દહીસર ઈસ્ટ મુંબઈ)ની અટક કરી હતી. જ્યારે પાયલોટીંગ કરનાર પ્રદીપ અશોક મિશ્રા (રહે નાના સોપાલા પાલઘર મહારાષ્ટ્ર) અને હરિકેશકુમાર યાદવને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ દારૂનો જથ્થો પલસાણા લઈ જવાઈ રહ્યો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. ભીલાડ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
વાપીના સુલપડથી દારૂની 327 બોટલ સાથે બુટલેગર પકડાયો
વલસાડ : વલસાડ એલસીબીએ ચૂંટણી અનુલક્ષી પ્રોહિબિશન અંગે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન વાપીના સુલપડ ગામેથી દારૂની 327 બોટલ કિ.રૂ. 27,675 ની પકડાઇ ગઇ હતી. પોલીસે સુલપડના સુજીત ધનસુખ પટેલના ઘરની સામેના વાડામાં બાતમીના પગલે દરોડો પાડ્યો હતો. જે દરમિયાન તેમણે 3 થેલામાંથી દારૂ અને વ્હીસ્કીની બોટલો પકડી પાડી હતી. જેના પગલે પોલીસે સુજીતની ધરપકડ કરી તેની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ચીખલીના થાલાની હદમાં ટ્રકમાંથી કાચના સ્ક્રેપની આડમાં લઈ જવાતા દારૂ સાથે એકની ધરપકડ કરી
ઘેજ : ચીખલી પોલીસે કાચના સ્ક્રેપની આડમાં લઈ જવાતો નવ લાખથી વધુને વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી નેશનલ હાઇવે નં-૪૮ ઉપર થાલા ગામની હદમાં શાહિદ ચિકન સેન્ટર પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની ટાટા ટ્રક નં એમપી-૦૯-એચએફ-૬૯૧૮ આવતા તેને રોકી ચેક કરતા કાચના સ્ક્રેપની આડમાં લઈ જવાતો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ : ૧૯,૬૮૦ જેની કિં.રૂ.૯,૮૪,૦૦૦ મળી આવતા પોલીસે ટાટા ટ્રકનો ડ્રાઇવર સંજુ હરિરામ ચૌધરી (ઉ.વ-૪૦, રહે.શિરપુર ગામ તા.ચંદનનગર થાના. ઇન્દોર) તથા દિપક છગનભાઇ બામનીયા (ઉ.વ-૩૦, રહે.નાવદા પંથ ધારરોડ તા.ચંદનનગર જી.ઇન્દોર)ની ધરપકડ કરી ટ્રક, બે મોબાઈલ રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧૯,૮૬,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.