દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને આજે તા. 2 જૂનને સોમવારના રોજ ઈન્ટરેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. 33 વર્ષીય ખેલાડીએ સોશિયલ મીડિયા પર પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું કે તે તેના પરિવાર સાથે વધુમાં વધુ સમય વીતાવવા માંગે છે.
તમને જણાવી દઈએ કે ક્લાસેન ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હતો. હવે તેણે ODI અને T20 ને પણ અલવિદા કહી દીધું છે.
જમણા હાથના બેટ્સમેને પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, આ મારા માટે દુઃખદ દિવસ છે કારણ કે હું જાહેરાત કરું છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મારા અને મારા પરિવારના ભવિષ્ય માટે શું શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મને ઘણો સમય લાગ્યો. આ ખરેખર ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો પણ હું આ નિર્ણયથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું.
ક્લાસેનએ આગળ લખ્યું- પહેલા દિવસથી મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સૌથી મોટું સન્માન હતું અને તે બધું જ હતું જેના માટે મેં યુવા તરીકે કામ કર્યું હતું અને જેનું સ્વપ્ન જોયું હતું.
ક્લાસેનનું આંતરરાષ્ટ્રીય કરિયર
હેનરિક ક્લાસેન ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કર્યું. તેમણે ચાર ટેસ્ટ, 60 વનડે અને 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આમાં તેણે અનુક્રમે 104, 2141 અને 1000 રન બનાવ્યા. ક્લાસેન છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે ફક્ત બે મેચ રમી અને 67 રન બનાવ્યા હતા.
IPL 2025માં હૈદરાબાદ વતી રમ્યો
IPL 2025 માં હૈદરાબાદ માટે કલાસેન રમ્યો છે. આ સિઝનમાં તેણે કુલ 14 મેચ રમી અને એક સદી અને એક અડધી સદીની મદદથી 487 રન બનાવ્યા. તેનો શ્રેષ્ઠ સ્કોર 105* હતો. આ સ્કોર તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બનાવ્યો હતો.
મેક્સવેલે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, હવે માત્ર T20 રમશે
આ અગાઉ આજે તા. 2જૂનની સવારે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેક્સવેલ 2015 અને 2023 માં ODI વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. મેક્સવેલે આ નિર્ણય ખાસ કરીને 2026 માં યોજાનારા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે, જેમાં તે ઓસ્ટ્રેલિયા માટે ખિતાબ જીતવા માંગે છે.

36 વર્ષીય ગ્લેન મેક્સવેલે ફાઇનલ વર્ડ પોડકાસ્ટમાં પોતાની વનડે નિવૃત્તિ અંગે કહ્યું, મેં સિલેક્ટર્સ સાથે વનડે વર્લ્ડ કપ 2027 વિશે વાત કરી હતી. મેં કહ્યું હતું કે મને નથી લાગતું કે હું તેમાં રમી શકીશ. હું ફક્ત થોડી શ્રેણીઓ સુધી મર્યાદિત રહેવા માંગતો ન હતો અને મારા પોતાના સ્વાર્થી કારણોસર રમવા માંગતો ન હતો.
ગ્લેન મેક્સવેલ કહે છે, શરૂઆતમાં મને અણધારી રીતે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તે સમયે હું ફક્ત થોડી મેચ રમવા માટે ઉત્સાહિત હતો. પછી કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવ્યા. ટીમમાંથી બહાર થવું, વાપસી કરવી, વર્લ્ડ કપ રમવું અને કેટલીક મહાન ટીમોનો ભાગ બનવું. મને લાગવા લાગ્યું કે મારા શરીરનો પ્રતિભાવ હવે ટીમ માટે યોગ્ય નથી. મેં જ્યોર્જ બેઈલી (મુખ્ય પસંદગીકાર) સાથે વાત કરી અને પૂછ્યું કે તેમને શું લાગે છે કે આગળ શું થશે. ટીમ સ્પષ્ટ દિશામાં આગળ વધી રહી છે અને આ નિર્ણય તેમને આગામી વર્લ્ડ કપ પહેલા યોગ્ય કોમ્બિનેશન શોધવામાં મદદ કરશે.