ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વડા સૌરવ ગાંગુલીએ બુધવારે બપોરે તેમની એક પોસ્ટથી સમગ્ર મીડિયાને સ્તબ્ધ કરી દીધું. તેણે એક એવું ટ્વીટ કર્યું, જેના પછી તેના રાજકારણમાં આવવાની અટકળો શરૂ થઈ ગઈ. શરૂઆતમાં એવા અહેવાલ પણ આવ્યા હતા કે સૌરવે BCCIના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. BCCIના સચિવ જય શાહે પોતે સ્પષ્ટતા કરવી પડી કે સૌરવ ગાંગુલીએ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું નથી. આખરે સૌરવ ગાંગુલીએ પોતાના ટ્વીટમાં એવું શું લખ્યું જેનાથી સમગ્ર મીડિયાએે ગામ ગજવી દીધું હતું અને તેમને સહેલાઈથી એવી ખાતરી થઈ ગઈ કે સૌરવ ગાંગુલી હવે નવી ઈનિંગ રમવા માટે તૈયાર છે. આની પાછળ શું હતું જેણે આ અટકળોને વેગ આપ્યો? ચાલો તેને અહીં ક્રમિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.
પહેલા સૌરવ ગાંગુલીના ટ્વીટ, તેના પર મીડિયામાં જાગેલી ચર્ચા અને તે પછી BCCIના સચિવ જય શાહનો ખુલાસા સંબંધિત આખા ઘટનાક્રમને ધ્યાને લઇએ તો ભારતીય ટીમના માજી કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે પોતાની નવી જર્ની અંગે એક ભેદી ટ્વિટ કરતાં BCCI અધ્યક્ષપદેથી તેણે રાજીનામું આપી દીધું હોવાની અફવાઓ શરૂ થઇ હતી, જેને પગલે BCCI સચિવ જય શાહે ખુલાસો કરવો પડ્યો હતો કે ગાંગુલીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું નથી. હકીકતમાં ગાંગુલીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે તે નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યો છે.
તેમાં જો કે તેણે વધુ કોઇ ફોડ પાડ્યો નહોતો અને તેના કારણે એવી ચર્ચા શરૂ થઇ હતી કે ગાંગુલીએ BCCI અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે અને તે રાજકારણમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. તેણે લખ્યું હતું કે 2022 એ મારી ક્રિકેટ જર્નીનું 30મું વર્ષ છે. હવે હું કંઇક એવું કરવા માગું છું કે જેનાથી લોકોનું ભલું થઇ શકે. તેને પગલે અફવા શરૂ થઇ ગઇ હતી. સૌરવે બુધવારે સાંજે 5.20 વાગ્યે ટ્વિટ કરતાની સાથે તેના રાજીનામાની અટકળો શરૂ થઇ ગઇ હતી અને તે પછી સાંજે 5.58 વાગ્યે જય શાહે ખુલાસો કર્યો હતો કે સૌરવે રાજીનામું આપ્યું નથી. જય શાહે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષપદેથી સૌરવ ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી અને જે અફવા ફેલાઇ છે તે ખોટી છે.
સૌરવ ગાંગુલીના ટ્વીટના કારણે ઊભું થયેલું કન્ફ્યુઝન
સૌરવ ગાંગુલીના એક ટ્વીટના કારણે તે રાજકારણમાં પ્રવેશી રહ્યો હોવાની અટકળોને વેગ મળ્યો હતો. ટ્વીટની ભાષામાં સ્પષ્ટપણે સંકેત આપવામાં આવ્યો હતો કે તે હવે કોઈ અન્ય ક્ષેત્રમાં હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું, ‘1999માં ક્રિકેટ સાથે મારી સફરની શરૂઆત બાદ 2022એ 30મું વર્ષ છે. ત્યારથી લઇને અત્યાર સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે મને તમારા બધાનો સાથ મળ્યો છે. હું દરેકનો આભાર માનું છું કે જેઓ મારી સફરનો હિસ્સો રહ્યા છે, મને સમર્થન આપ્યું છે અને આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવામાં મદદ કરી છે. આજે હું કંઈક નવું શરૂ કરવાની યોજના ઘડી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે તમે મારા જીવનના આ નવા અધ્યાયમાં પ્રવેશ સમયે મને સપોર્ટ કરવાનું ચાલુ રાખશો.’
ટ્વીટની ભાષાએ ઊભી કરેલી મુંઝવણ અંગે સ્પષ્ટ સંકેતો શું છે?
દાદાના આ ટ્વીટની ભાષાએ મુંઝવણ ઊભી કરી હતી. તેના વિવિધ અર્થ કાઢવામાં આવ્યા. સમાચાર તો ત્યાં સુધી આવી ગયા હતા કે સૌરવ ગાંગુલીએ BCCI અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. જો કે, બાદમાં આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. ‘આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે…’ આ વાક્ય તેના રાજકારણમાં પ્રવેશ સાથે સંકળાયેલું હોય તે રીતે જોવામાં આવ્યું હતું. પછી જ્યારે કોઈ નવા ક્ષેત્રમાં આગળ વધે ત્યારે લોકોને સમર્થન માટે પૂછવાનો અને નવા પ્રકરણમાં પ્રવેશવાનો સૂર પણ એવો હતો.
સૌરવ દાદાના રાજકારણમાં પ્રવેશની અટકળો શા માટે કરવામાં આવી?
વાસ્તવમાં 6 મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના કોલકાતાના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન શાહે ગાંગુલીના ઘરે ડિનર લીધું હતું. ત્યારથી ગાંગુલીના રાજકારણમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. ડિનર દરમિયાન સૌરવ ગાંગુલી ઉપરાંત તેની પત્ની ડોના, ક્રિકેટરના મોટા ભાઈ અને ભાભી હાજર હતા. જ્યારે શાહની સાથે BJPના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તા, BJP રાજ્ય એકમના અધ્યક્ષ સુકાંત મજુમદાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી હતા.
અમિત શાહ સાથેના ડિનર પછી સૌરવે અલગ કહ્યું, અને ડોના કંઇ અલગ બોલી
અમિત શાહ સાથે પોતાના ઘરે ડિનર લીધા પછી જો કે, સૌરવ ગાંગુલીએ પોતે એ જ દિવસે રાજકારણમાં આવવાની શક્યતા નકારી કાઢી હતી. તે બીજી વાત છે કે તેના બીજા જ દિવસે તેની પત્ની ડોના ગાંગુલીએ તેના પતિ ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે મીડિયાકર્મીઓને કહ્યું, ‘અનુમાન લગાવવાનું કામ લોકોનું છે. જો આવું કંઈક થશે તો બધાને ખબર પડશે.
હું એટલું જ કહીશ કે સૌરવ રાજકારણમાં સારું પ્રદર્શન કરશે અને લોકોના કલ્યાણ માટે કામ કરશે. સૌરવ ગાંગુલી હંમેશાં રાજકીય લાઇનમાં નેતાઓનો પ્રિય રહ્યો છે. તે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને તત્કાલીન ડાબેરી મોરચાની સરકારના મ્યુનિસિપલ અફેર્સ અને શહેરી વિકાસ પ્રધાન અશોક ભટ્ટાચાર્યની ખૂબ નજીક હતો. 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા, એવી અફવાઓ હતી કે ગાંગુલી ચૂંટણી માટે ભાજપનો CM ચહેરો બની શકે છે. જો કે, એવું બન્યું ન હતું.