નડિયાદ: ખેડા જિલ્લામાં કમોસમી માવઠું થતાં ખેતપેદાશો પર તેની માઠી અસર થઈ છે. શાકભાજીનો પાક માવઠામાં અસરગ્રસ્ થતા આવક ઘટી છે અને પરીણામે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. તેમાં એક મહિના પહેલા લીંબુના ભાવ કિલોના રૂ. 30 હતા તે વધીને હાલ કિલોના રૂ. 130થી 150 થયા છે. આમ લીંબુના ભાવમાં કિલોએ 100 રૂપિયા ઉપરાંતનો વધારો થતાં ગૃહિણીઓની હાલત કફોડી બની છે. હવામાનમાં પલટો આવતા સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે કમોસમી વરસાદ થયો છે. ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થતાં તૈયાર થયેલી ખેત પેદાશો તેમજ શાકભાજીને ભારે નુકસાન થયુ છે. ત્યારે બટાટા અને ટામેટાના ભાવ એકદમ તળીયે થયા છે.
બટાટા કિલોના 6 થી ૭, જ્યારે ટામેટા કિલોના 5થી 6 થયા છે. જેથી ખેડૂતો મોંઘા ભાવના બટાટા, ટામેટા વગેરેનું બિયારણ ખરીદી વાવેતર કરતા હોય છે. ત્યારે બટાટા, ટામેટાનો પાક તૈયાર થઈ બજારમાં વેચાવા આવતા તેના ભાવ ઘણા નીચા તળીયે બેસી ગયા છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજી બાજુ અન્ય શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગવાર કિલોના 90થી 95, ચોળી કિલોના 50થી 60, દૂધી કિલો 12થી 15, કોથમીર કિલો 15થી 20, તોતા કેરી 20થી 22, લીલા મરચા 25થી 45 જ્યારે લીંબુના ભાવ 120થી 150 થયા છે. મહિના પહેલા લીંબુ કિલોના રૂ. 30 હતા જે વધીને 150 થયા છે. આમ 15 દિવસ પહેલા શાકભાજીના ભાવ ઘણા જ નીચા હતા. પરંતુ માવઠું થયા બાદ શાકભાજીની આવકમાં ઘટાડો થતાં વિવિધ શાકભાજીના ભાવમાં એકાએક વધારો થયો છે. બીજીબાજુ બટાટા, ટામેટાંના ભાવ એટલી હદે નીચે ગયા છે જેથી ખેડુતોને બજારમાં વેચવા જાય તો ભાડું પણ ઘરનું ચૂકવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.