સુરત: (Surat) સુરતની કિરણ હોસ્પિટલમાં (Kiran Hospital) બિહારની (Bihar) ચાર પગ અને ચાર હાથ ધરાવતી બાળકીની (Girl) સફળ સર્જરી (Surgery) કરવામાં આવી છે. બોલિવુડના અભિનેતા સોનુ સૂદની (Sonu Sood) ભલામણ બાદ સુરતની કિરણ હોસ્પિટલે બિહારની આ બાળકીનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. સુરતમાં પહેલીવાર આ પ્રકારનું જટીલ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આમ સુરત પણ હવે મેડિકલ ક્ષેત્રે નવા શિખરો સર કરવા માંડ્યું છે.
- બિહારની ચહુંમુખીનું અભિનેતા સોનુ સૂદે સુરતની કિરણ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું
- સુરતની કિરણ હોસ્પિટલના તબીબોએ 7 કલાક લાંબી સર્જરી કરી બાળકીને નવું જીવન આપ્યું
- સુરતના મેડીકલ ઈતિહાસમાં પહેલીવાર આવું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામમાં એક બાળકીને જન્મથી જ ચાર પગ અને ચાર હતા. વિચિત્ર શરીર ધરાવતી આ બાળકીનું નામ પરિવારજનોએ ચહુંમુખી રાખ્યું હતું. ચહુંમુખી જેમ મોટી થતી ગઈ તેમ તેના વધારાના અંગો પણ મોટા થતાં ગયા હતા, જેના લીધે તેને જોનારા અચરજ પામતા હતા. આ બાળકીનો વીડિયો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યાર બાદ બોલિવુડના અભિનેતા સોનુ સૂદે આ કેસમાં વ્યક્તિગત રસ લીધો હતો.
સોનુ સૂદે બિહારથી ચહુંમુખી અને તેના પરિવારને મુંબઈ બોલાવ્યા હતા. ચહુંમુખી અને તેનો પરિવાર ગઈ તા. 30 મે ના રોજ મુંબઈ પહોંચી અભિનેતા સોનુ સૂદને મળ્યા હતા. સોનુ સૂદે મુંબઈથી ચહુંમુખીની સારવાર માટે સુરત મોકલ્યા હતા અને સુરતના કિરણ હોસ્પિટલને આ બાળકીનું ઓપરેશન કરવા ભલામણ કરી હતી. સારવાર માટે પહેલાં કિરણ હોસ્પિટલ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ત્યાર બાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે 7 કલાક લાંબું ઓપરેશન કર્યું હતું. જે સફળ રહ્યું છે. બાળકીના વધારાના અંગો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે.
આમ, અભિનેતા સોનુ સૂદે બાળકીનું ઓપરેશન કરાવી તેને નવું જીવન આપવાનું વચન પૂરું કર્યું છે, તો બીજી તરફ સુરતના મેડીકલ ક્ષેત્ર માટે પણ આ મોટી ઉપલ્બધિ સમાન છે. સુરતમાં પહેલીવાર આ પ્રકારનું જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ચહુંમુખીને હજુ થોડા દિવસ સુરતની કિરણ હોસ્પિટલમાં જ રહેવું પડશે, ત્યાર બાદ તે એક સામાન્ય બાળકીની જેમ જીવન જીવી શકશે. સોનુ સૂદે ચહુંમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હોવાની માહિતી મળી છે.