કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે કેન્દ્ર સરકાર પર કોવિડના રોગચાળાની સ્થિતિને અયોગ્ય રીતે હાથ ધરવાનો અને રસીની નિકાસ કરીને દેશમાં તેની તંગી સર્જવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કોરોનાવાયરસના વધતા કેસોના સંજોગોમાં તમામ જાહેર મેળાવડાઓ અને ચૂંટણી રેલીઓ રદ કરવા હાકલ કરી હતી.
કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જે રાજ્યોમાં પક્ષ અન્યો સાથે ગઠબંધનમાં સત્તા પર છે તેવા રાજ્યોના મંત્રીઓની એક વર્ચ્યુઅલ બેઠકને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને રસીકરણને પ્રાથમિકતા અપાવી જોઇએ. તેઓ કોરોનાવાયરસના ચેપના બીજા મોજાને હાથ ધરવામાં કોંગ્રેસ શાસિત રાજ્યોના પ્રયાસોની સમીક્ષા કરી રહ્યા હતા જ્યારે દેશે શનિવારે કોવિડ-૧૯ના ૧૪૫૩૮૪ નવા કેસો અને ૭૯૪ મૃત્યુઓ જોયા છે. ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટ, તેમના પંજાબના સમકક્ષ અમરીન્દર સિંઘ તથા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિતના લોકોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
અમરિન્દર સિંઘે એ બાબત તરફ નિર્દેશ કર્યો હતો કે પંજાબનો રસીનો સ્ટોક હવે વધુ પાંચ જ દિવસ ચાલે તેટલો છે જ્યારે બઘેલે કહ્યું હતું કે છત્તીસગઢમાં ત્રણ દિવસમાં રસીઓ ખૂટી જશે. પક્ષના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રસીઓના આંકડા અને પુરવઠા અંગે કેન્દ્ર સરકારે તેમને કોઇ ખાતરી આપી નથી. આ બેઠકમાં દેશની આર્થિક સ્થિતિ સહિત વિવિધ બાબતોની ચર્ચા થઇ હતી.