Dakshin Gujarat

સોનગઢમાં હિન્દુ મંદિરને ખ્રિસ્તી મરિયમ માતાના મંદિરમાં ફેરવી દેવાતા રોષ

સુરત: (Surat) સુરત નજીક તાપી (Tapi) જિલ્લાના સોનગઢ (Songadh) તાલુકાના આંબા જુથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા એક હિન્દુ મંદિર (Hindu Temple) પર ક્રોસ (Cross) લગાવી મરિયમ માતાનું મંદિર (Mother Mariyam Temple) બનાવી દેવામાં આવતા ગામના હિન્દુઓમાં રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી મંદિરમાં પુજા કરવા મંજૂરી માગી છે. 9 ઓક્ટોબરના રોજ પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામજનોએ મંદિરમાં પુજા કરવા દેવાની માંગણી કરી છે.

  • સોનગઢના આંબા જુથ ગ્રામ પંચાયત વિસ્તારના મંદિરનો વિવાદ
  • ગીધમાડી આયા ડુંગર માતાના મંદિરનો વિવાદ વકર્યો
  • જનજાતિ સમાજના મંદિરને ખ્રિસ્તિ મંદિરમાં ફેરવાયું
  • ખ્રિસ્તી યુવાનો દ્વારા હિન્દુઓને રોકવામાં આવતા મામલો વકર્યો
  • જનજાતિ સમાજ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદન સોંપાયું
  • 9મી ઓક્ટોબરે મોટી સંખ્યામાં જનજાતિ સમાજના લોકો મંદિરે પુજા કરવા જશે

આંબા જુથ ગ્રામ પંચાયતના વિસ્તારમાં પ્રાચીન ગીધમાડી આયા ડુંગર માતાનું મંદિર આવેલું છે. અહીં જનજાતિ સમાજના લોકો દાયકાઓથી પૂજા કરે છે. 2019માં આંબા જુથ ગ્રામ પંચાયત દ્વારા મંદિર મામલે એક ઠરાવ થયો હતો, જે અનુસાર આ ડુંગરની વર્ષોથી દેવસ્થાન તરીકે પુજા થાય છે. તે ગીધમાળી આયા ડુંગર તરીકે ઓળકાય છે. અહીં તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક દર્શન માટે આવે છે. મનોકામના પૂર્ણ થાય તેવી આસ્થા છે. મંદિરના નવીનીકરણ માટે સુધારા વધારા કરવાનો ઠરાવ 2019માં ગ્રામ પંચાયત દ્વારા કરાયો હતો.
દરમિયાન ગઈ તા. 1 ઓક્ટોબરના રોજ સ્થાનિક ગ્રામજનો મંદિરમાં પૂજા કરવા ગયા તો તેમને રોકવામાં આવ્યા હતા. ખ્રિસ્તી યુવાનો દ્વારા તેઓ સાથે અભદ્ર વર્તન કરાયું હતું. તેથી હિન્દુ ગ્રામવાસીઓએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ત્યાં પુજા કરવા દેવા અને સુરક્ષા આપવા માગ કરી છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે ગીધમાતા મંદિરે પૂજા માટે ગયેલા સાધુઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ હતી. પોલીસે સમજાવટ કરી મામલો શાંત પાડ્યો હતો. દરમિયાન જનજાતિ સુરક્ષા ગુજરાત પ્રાંતના અધિકારીએ વિધર્મીઓ દ્વારા મંદિર પર કરી લેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે. આદિવાસીઓના આસ્થાના મંદિરને મરિયમ માતાના મંદિરમાં ફેરવવા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. 9 ઓક્ટોબરે ફરી ત્યાં પુજા કરવા જવાની જાહેરાત તેઓ દ્વારા કરાઈ છે.

Most Popular

To Top