વ્યારા: સોનગઢ (Songadh)ના જંગલ વિસ્તાર (Forest area)માં આવેલા સામરકૂવા (Samarkuva) ગામે મંગળવારે સવારે 6 વાગ્યાના અરસામાં ધસી આવેલા વન વિભાગના કર્મીઓ (Forest employee)એ ઘરોમાં ઘૂસી જઈ ઓચિંતી તપાસ ધરી હતી. જેને લઈ મામલો ગરમાયો હતો. જેમાં વનકર્મીઓ અને તેમની સાથે પોલીસ (Police) જેવી વર્દી તેમજ જર્સી પહેરી આવેલા કેટલાક શખ્સોએ બે યુવકના માથે લાકડીના સપાટા મારતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એકની હાલત હજુય નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઘટનાના બીજા દિવસે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. જેને લઈ પંથકમાં તર્કવિતર્કો ઉદભવ્યા છે. વન વિભાગના આ હિચકારી હુમલામાં ગામની મહિલા સહિત કુલ પાંચને ઇજા પહોંચી હતી. તેમાં જિતેન્દ્ર વસાવા નામના યુવકની હાલત ગંભીર છે. જેથી ખેરવાડા રેન્જના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવા ગ્રામજનોએ માંગ કરી છે.
ખેરવાડા રેન્જના સામરકૂવા ગામે લોકોના ઘરમાં ઘૂસી સામાન વેરવિખેર કરતાં લોકોનો આક્રોષ જોવા મળ્યો હતો. જો કે, એક બંધ મકાનનું તાળું મકાન માલિકની ગેરહાજરીમાં તોડવા જતાં વનકર્મીઓને ગ્રામજનોએ અટકાવ્યા હતા. એ સમય વન વિભાગના કર્મીઓ સાથે પોલીસ જેવી વર્દી પહેરી આવેલા શખ્સોએ ગામના લોકોને બેરહેમીથી ફટકાર્યા હતા, જેમાં જિતેન્દ્ર વસાવાના માથામાં લાકડીનો સપાટો મારતાં તે લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં યુવકનું મોત થયાનું જાણી ટોળું વિફર્યું હતું. જેમાં ગ્રામજનો વન વિભાગની આ ટીમને ઘેરી વળ્યા હતા.
50થી વધુ ઘરની તપાસ કર્યા પછી પણ વન વિભાગને લાકડાં હાથ લાગ્યાં નથી!
આ ગુનામાં સામેલ અને વનકર્મીઓ સાથે બંદૂક લઈ આવેલા હુમલાખોર અજાણ્યા ઇસમો એસઆરપીના કર્મચારી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ત્યારે જો આ એસઆરપીના જવાનો હોય તો તેઓ વનકર્મીઓ સાથે આવ્યા ક્યાંથી ? એ મોટો સવાલ ઊઠ્યો છે. શું વન વિભાગે એસઆરપીની ટીમ બોલાવી હતી કે પછી બિન અધિકૃત બોલાવવામાં આવી હતી. જો કે, 50થી વધુ ઘરની તપાસ કર્યા પછી પણ લાકડાં વન વિભાગને હાથ લાગ્યાં નથી. ત્યારે ચોક્કસ વાતમી કે પુરાવા વિના આવી મોટા પાયે તપાસ અને તે પણ મળસકે લોકોના ઘરે ઘૂસી કેવી રીતે અને કોની પરમિશનથી કરવામાં આવી ? એ ગંભીર તપાસ માંગી લે તેમ છે. હાલ તો હુમલામાં ભોગ બનનાર ફરિયાદ કરવા જાય તો છે પણ તેમને ફરિયાદ નોંધાવી તો તેમના વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટની વળતી ફરિયાદ નોંધાવવાની ધમકીઓ આપી તેમને ડરાવતા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ મામલે વન અધિકારી કંઈ બોલવા તૈયાર નથી.
પરિવારજનો જિતેન્દ્ર વસાવાની સારવાર કરાવવા સક્ષમ નથી
જિતેન્દ્ર વસાવાની સારવાર કરાવવા પરિવારજનો સક્ષમ નથી. જ્યારે વન વિભાગે આ મામલે માનવતા નેવે મૂકી તેની સારવાર તો દૂરની વાત, તેને જોવાની પણ તસદી લીધી નથી. જિતેન્દ્ર વસાવાને ચાર વર્ષ પહેલાં માથામાં જ્યાં ઓપરેશન થયું ત્યાં જ ફરી ઇજા થતાં તે પથારીમાંથી ઊઠી શકતો નથી.
મહિલા આશાવર્કર સહિત ઘરમાં ઊંઘતી મહિલાઓના વાળ પકડી માર માર્યો
વનકર્મીઓ અને બંદૂકધારીઓના હુમલામાં જિતેન્દ્ર લાલજી વસાવા (ઉં.વ.૨૮), હિરેન શામજી વસાવા (ઉં.વ.૨૩)ને માથામાં ઇજા થતાં ગંભીર રીતે ઘવાયા હતા. જિતેન્દ્ર વસાવાને સારવાર માટે માંડવી હોસ્પિટલ ખસેડાયો હતો. એ વેળા તેના સગાભાઈ દલપત વસાવા અને સોમીએલ વસાવા પણ હોસ્પિટલ જતાં હતાં. ત્યારે વન વિભાગના કર્મચારીઓએ તેમને રસ્તામાં આંતરી લાકડીના સપાટાથી ઢોર માર માર્યો હતો. આ પૈકીનો એક યુવક એમએસસીનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં ઊંઘતી કલ્પના વસાવા નામની મહિલાને પુરુષકર્મીએ વાળ પકડી ઘસડી લાતથી માર માર્યાનાં આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા છે. મહિલા આશાવર્કરને પણ માર માર્યો હતો.