તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા, વાલોડ તાલુકાના બાજીપુરા અને વ્યારા તાલુકાના ઘાટા ગામે સ્વામીનારાયણ મંદિર ખાતે કલેક્ટર આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની ઉપસ્થિતિમાં ઝુંબેશ સ્વરૂપે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઇ રસીકરણની કામગીરીને વેગવાન બનાવી હતી.
કલેક્ટર આર.જે.હાલાણીએ લોકોને વેક્સિન વિશેની ભ્રામક વાતોથી દૂર રહી ખોટી માન્યતાઓમાં ન દોરાવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ લોકોને માર્ગદર્શન આપતા “જનસેવા એ જ પ્રભુસેવા ”ના મંત્રને ચરિતાર્થ કરી વેક્સિનેશન કામગીરીમાં સહયોગ આપવા હાંકલ કરી હતી. જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે ટીચકિયા ગામના લોકોને સમજ આપતાં જણાવ્યું હતું કે, વેક્સિનથી આપણાં કુટુંબનો બચાવ થશે. જેમણે વેક્સિન લીધી છે તેઓ સુરક્ષિત છે.
મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ જણાવ્યું હતું કે ટીચકીયા ગામે ૪૫ વર્ષથી ઉપરના લોકોનું સો ટકા વેક્સિનેશન, જ્યારે ૬૦ વર્ષથી ઉપરના લોકોના રસીકરણની ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. બાજીપુરા ખાતે બીજા ડોઝમાં બધા જ હરિભક્તોએ ઉત્સાહપૂર્વક રસીકરણ કરાવી લીધું છે. જ્યારે ઘાટા ગામે પણ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું