Madhya Gujarat

પિતાને ધારીયું મારી હત્યા કરતા પુત્રને આજીવન કેદની સજા

આણંદ : આણંદ શહેરમાં ત્રણેક વર્ષ અગાઉ માતાએ પુત્ર પાસે ઘર ખર્ચના રૂપિયાની માંગણી કરવાના સામાન્ય બનાવમાં ઉશ્કેરાયેલા પુત્રએ માતા-પિતા ઉપર ધારીયાથી હુમલો કર્યો હતો. આ બનાવમાં માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પિતાનું મોત નીપજયું હતું. આ કેસમાં આણંદ સેશન્સ કોર્ટે પુત્રને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને રૂપિયા 10 હજાર નો દંડ ફટકાર્યો છે. આણંદ શહેરમાં એકતા પરિવાર ઠાકોરજી નગર અક્ષર ફાર્મની બાજુમાં લીલાજી ઉકાજી મારવાડી પરિવાર સાથે રહેતાં હતાં.

તેમની પત્ની ટીકુબેને 5મી જુલાઇ,2020ના રોજ તેમના પુત્ર વિજય મારવાડી પાસે ઘર ખર્ચના રૂપિયાની માંગણી કરી હતી. જેથી વિજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને માતા -પિતા સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં એકાએક જ ધારીર્યું લાવી માતા – પિતા પર હુમલો કર્યો હતો. જેમાં બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાને લઈને આજુ-બાજુના લોકો દોડી આવ્યાં હતાં. ગંભીર ઈજા પામેલા ટીકુબેન અને લીલાજી મારવાડી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં ટૂંકી સારવાર બાદ લીલાજી મારવાડી નું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે શીતલબેન લીલાજી મારવાડીએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિજય લીલાજી મારવાડી વિરુદ્ધ ઈ પી કો કલમ 302, 307, 324 તથા 506( 2 )મુજબ ગુનો નોંધીને રાત્રિના સમયે ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. બીજી બાજુ પોલીસે જરૂરી કાર્યવાહીને પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરી હતી.

આ કેસ આણંદ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલે 18 સાક્ષીઓ તપાસ્યા હતાં અને 61 દસ્તાવેજી પુરાવો રજૂ કર્યા હતાં. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી વિજય લીલાજી મારવાડીને ઈપીકો કલમ 302 ના ગુનામાં કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે ઈપીકો કલમ 307 માં કસુરવાર ઠેરવીને વિજય લીલાજી મારવાડીને દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદનો હુકમ કર્યો છે.

Most Popular

To Top