સુરત : વલસાડમાં (Valsad) લગ્ન (Marriage) કરીને વિદેશ ગયેલા દંપતી વચ્ચે ઝઘડાને કારણે છૂટાછેડા (Divorce) થયા હતા. આ દરમિયાન વલસાડમાં જન્મ પામેલા પુત્રને (Son) વિદેશ મોકલવા માટે તેની માતાને (Mother) એમ્બેસી સમક્ષ જરૂર પડ્યે હાજર થવા તેમજ પુત્રને વિદેશ જવા માટે ‘નો-ઓબ્જેક્શન’ લખી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ કેસની વિગત મુજબ વલસાડમાં રહેતા હિતેનભાઇ દેસાઇના લગ્ન વલસાડમાં જ રહેતા રંજનબેન દેસાઇની સાથે સને-2002માં થયા હતા. આ લગ્નજીવન થકી તેઓને સંતાનમાં બે પુત્રોનો જન્મ થયો હતો. જેમાં મોટા પુત્રનો વલસાડમાં અને નાના પુત્રનો વિદેશમાં જન્મ થયો હતો. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં બંનેએ વલસાડની કોર્ટમાં છૂટાછેડાનો દાવો કરીને અલગ થઇ ગયા હતા. દરમિયાન મોટા પુત્રને વિદેશમાં જવા માટે વારંવાર માતાની સહિની તેમજ તેમની સંમતિની જરૂર પડતી હતી. આ માટે તેઓએ વકીલ પ્રીતિ જોષી મારફતે કોર્ટમાં અરજી કરીને ‘નો-ઓબ્જેક્શન’ આપે તેવી દાદ માંગી હતી. આ અંગે વલસાડના પુત્રને જ્યારે પણ પાસપોર્ટ રીન્યુ કરવાની જરૂર થાય ત્યારે એમ્બેસીની કાર્યવાહી માટે માતાએ નો-ઓબ્જેક્શન સર્ટી લખી આપવું તેમજ જરૂરી ઓથોરીટી સમક્ષ અને એમ્બેસીમાં હાજર રહેવા માટેનો આદેશ કરાયો હતો.
અરજદાર પશુ સંબંધિત બે કેસમાં પકડાયો છે, તેને પશુઓનો કબજો સોંપી શકાય નહીં : કોર્ટ
સુરત : કામરેજ ટોલનાકા પાસેથી પકડાયેલા 15 પશુઓનો કબજો મેળવવા માટે રાજસ્થાની યુવકે સેશન્સ કોર્ટમાં કરેલી રીવીઝન અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ અરજી કરનાર આરોપી સામે ભૂતકાળમાં પણ બે ગુના નોંધાયા હોવાની નોંધ કોર્ટે લીધી હતી.
આ કેસની વિગત મુજબ સુરતના પશુપાલન વિભાગ દ્વારા તા. 9-11-2021ના રોજ કામરેજ ટોલનાકા પાસેથી એક સાથે 15 પાડી તેમજ એક પાડો મળી કુલ્લે 16 પશુઓનો કબજો લીધો હતો. આ તમામ પશુઓને મજૂરાગેટ પાસે આવેલા પાંજરાપોળમાં મુકી દેવાયા હતા. દરમિયાન આ પશુઓનો કબજો મેળવવા માટે રાજસ્થાનના કકરાલા ગામના વતની અને પશુપાલનનો વેપાર કરતા ઇસ્લામ મહેબુબએ કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ તેજસ પંચોલીએ દલીલો કરી હતી કે, આરોપીએ નીચલી કોર્ટમાં પણ મુદ્દામાલ માટે અરજી કરી હતી અને તે નામંજૂર થઇ હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી થઇ છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચૂકાદો આપતા કહ્યું કે, ઇસ્લામભાઇ પોતે માલિક હોવાનું સાબિત કરી શક્યા નથી, અને પશુઓ પાંજરાપોળ મુકામે સુરક્ષિત છે. હાલનો આરોપી અગાઉ પણ બે ગુનામાં પકડાયો છે, ત્યારે આવા ઇસમને પશુઓને સોંપી શકાય નહીં, તેમ ટાંકીને આરોપીની રીવીઝન અરજી નામંજૂર કરી હતી.