એક ખાવાનો શોખીન યુવાન …નવું નવું ખાવાના શોખને લીધે તેનું વજન સો કિલોથી પણ વધારે થઇ ગયું.યુવાને એક દિવસ છાતીમાં દુખાવો થયો.તે ડરી ગયો.અને વજન ઉતારવાનું નક્કી કર્યું.તેણે તેના દાદાને કહ્યુ, ‘દાદાજી, હું વિચારું છું કે બહારનું ખાવાનું છોડી દઉં.માત્ર ઘરનું જ ખાવાનું ખાઇશ.અને વિચારું છું સવાર સાંજ ચાલવા જવાનું અને કસરત કરવાનું શરુ કરી દઈશ.’ દાદાજી હસ્યા અને યુવાનની પીઠ થપથપાવતા બોલ્યા, ‘ભાઈ ખાલી વિચારવાથી કઈ નહિ થાય શરૂઆત કરવી જરૂરી છે.
જો માત્ર વિચારતો રહીશ તો કઈ નહિ થાય શરૂઆત કરવી જરૂરી છે.’ યુવાન બોલ્યા, ‘હા હા, ચોક્કસ કાળથી જ શરુ કરી દઉં છું.’ યુવાન બીજે દિવસે વહેલો ઉઠ્યો નહિ અને ચાલવા ગયો નહિ.દાદાજીએ પૂછ્યું, ‘કેમ ભાઈ ચાલવા જવાની કે કસરત કરવાની શરૂઆત ન કરી ??’ યુવાન બોલ્યો, ‘દાદાજી આજે ઉઠાયું નહિ કાલથી ચોક્કસ શરૂઆત કરી દઈશ.’ દાદાજી બોલ્યા, ‘જો જે બેટા રોજ કાલ કાલ …પછી પછી ન થાય …’ યુવાન બોલ્યો, ‘ના ના એમ નહિ થાય કાલથી ચોક્કસ કસરત કરીશ જ …’ યુવાન ચાર દિવસ કસરત માટે ઉઠ્યો….પછી બધું વિચારેલું ભૂલી ગયો….ફરી એ જ ફાસ્ટ ફૂડ એ જ બહારનું નવું નવું ખાવાનું…વજન વધતું જ ગયું.થોડા દિવસ પછી યુવાનના જુના મિત્રો રસ્તામાં મળી ગયા તેમણે યુવાનની અને તેના ભારેખમ શરીરની બહુ મજાક ઉડાડી.યુવાનને દુઃખ થયું.
ઘરે આવી તેણે બધી વાત દાદાજીને કરી.દાદાજીએ કહ્યું, ‘તારે શરીર ઘટાડવાની,વજન ઓછું કરવાની જરૂર છે તને ખબર પણ છે પરંતુ તું ધ્યાન આપતો નથી પૂરતા પ્રયત્ન કરતો નથી.’ યુવાને જોશમાં આવી કહ્યું, ‘દાદાજી હું પ્રોમિસ કરું છું ત્રણ મહિનામાં હું વજન ઓછું કરી નાખીશ.’ દાદાજીએ કહ્યું, ‘ભાઈ પ્રોમિસ કરવાનો કોઈ અર્થ નથી સાચે વજન ઉતારીને તારી વાત સાબિત કરવી જરૂરી છે.’ યુવાનને કહ્યું, ‘હા હું સાબિત કરી બતાવીશ.’ યુવાને વજન ઉતારવાનું શરુ કર્યું….શરૂઆત સારી રહી, થોડું વજન ઉતર્યું પણ પછી ફરી પાછુ કસરત અને ડાયેટ ભુલાવા લાગ્યું.દાદાએ તરત ટકોર કરી, ‘દીકરા થોડું વજન ઉતર્યું છે સારી વાત છે પણ જો તું તારું ધ્યાન ભટકાવીશ તો અત્યાર સુધીની મહેનત નકામી થઇ જશે અને બોલવાથી કઈ નહિ થાય કરીને બતાવવું પડશે.’ યુવાને કહ્યું, ‘હા દાદાજી હું બરાબર મારી નક્કી કરેલી દિશામાં આગળ વધીને બધાને વજન ઓછું કરીને બતાવીશ.’
દાદાજી બોલ્યા, ‘બેટા….મેં તને સમજાવ્યું જ છે તે વાતો યાદ રાખજે માત્ર વિચારવાથી ન થાય શરૂઆત કરવી પડે….માત્ર પ્રોમીસથી કઈ ન થાય વાત વચન પૂરું કરી બતાવવું પડે અને માત્ર કહેવાથી કઈ ન થાય કરીને દેખાડવું પડે.અને તેમ કરવા માટે એક સરખું રાહ પરથી ભટક્યા વિના સતત પ્રયત્નોથી આગળ વધવું પડે.’ જીવનમાં માત્ર વજન ઉતારવા જેવા અઘરા કામ માટે નહિ પણ કોઇપણ કપરા સંજોગો અને મુશ્કેલીઓમાં દાદાજીની આ વાતો યાદ રાખવા જેવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે