Comments

કોઈકે કેળું ભીંતે ચોંટાડ્યું અને કોઈકે એ ઉખાડીને ખાધું

કોઈ માણસ માત્ર એક કેળું ખાય એટલે સમાચારમાં ચમકી જાય એમ બને ખરું? એપ્રિલ, ૨૦૨૩ના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાનો એક વિદ્યાર્થી આ કારણસર પ્રસાર માધ્યમોમાં ચમકી ગયો. કારણ એટલું કે એ કેળું મૂકાયું હતું એ સ્થાન મહત્ત્વનું હતું. દક્ષિણ કોરીઆના પાટનગર સોલના લીઅમ મ્યુઝિયમ ઑફ આર્ટના એક કળાપ્રદર્શનમાં મૌરિઝીઓ કેત્તીલાન નામના ન્યૂયોર્કસ્થિત શિલ્પકારનું ઈન્સ્ટોલેશન મૂકાયું હતું. તેનું શીર્ષક હતું ‘કોમેડિયન’. એક દિવાલ પર એક કેળાને ડક્ટ ટેપ વડે ચોંટાડવામાં આવ્યું હતું.

નો હાન સૂ નામનો કળા શાખાનો એક વિદ્યાર્થી આ પ્રદર્શન જોવા આવ્યો અને ટેપ ઉખાડીને કેળું ખાઈ ગયો. કેળું ખાધા પછી તેણે તેની છાલને ફરી પાછી મૂળ સ્થાને ચોંટાડી દીધી. આ પ્રદર્શન દરમિયાન આ કૃતિમાં મૂકાયેલા કેળાને દર બે-ત્રણ દિવસે બદલવામાં આવે છે. આમ કરતો તે કેમેરામાં ઝડપાયો એ પછી મ્યુઝિયમના સત્તાવાળાઓએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે પોતે શિરામણ કર્યું ન હોવાથી ભૂખ્યો થયો હતો. જો કે, પછી તેણે એમ પણ જણાવ્યું કે આધુનિક કળાની કોઈક કૃતિને નુકસાન પહોંચાડવું એ પણ કળાકૃતિ જ કહેવાય અને આથી જ પોતે કેળું ખાઈને તેની છાલ પાછી મૂળ સ્થાને લગાવી દીધી હતી. તેણે કહેલું, ‘મને લાગ્યું કે એને ખાવું રસપ્રદ બની રહેશે.

એ ત્યાં ખાવા માટે નહોતું ચોંટાડવામાં આવ્યું?’ કૃતિના કર્તા કેત્તીલાનને આ ઘટનાની જાણ થતાં તેમનો પ્રતિભાવ સહજ હતો. તેમણે કહેલું, ‘કશો વાંધો નહીં.’આ કૃતિ સાથે પહેલવહેલી વાર આમ નથી બન્યું. અગાઉ ૨૦૧૯માં, મિઆમી આર્ટ બાઝલમાં કલાકાર ડેવિડ ડેટુનાએ બિલકુલ આ જ રીતે ચોંટાડેલા કેળાને ઉખાડીને ખાધું હતું. કેત્તીલાનની કળાના પ્રશંસક એવા ડેવિડે જણાવેલું, ‘મેં વિશ્વભરના ૬૭ દેશોમાં પ્રવાસ કર્યો છે અને લોકો શી રીતે રહે છે એ જોયું છે. લાખો લોકો ખોરાક વિના મરણને શરણ થાય છે અને અહીં દિવાલ પર ચોંટાડેલા કેળાને કળાકૃતિ ગણીને તેના લાખો ડોલર ઉપજાવાય છે!’
કેત્તીલાન પોતાની કૃતિઓ થકી લોકપ્રિય ગણાતી સંસ્કૃતિને એક યા બીજી રીતે પડકારતા રહ્યા છે.

આ અગાઉ તેમણે અઢાર કેરેટ સોનાનું ટોઈલેટ બનાવ્યું હતું, જેનું શીર્ષક હતું ‘અમેરિકા’અને તેનું મૂલ્ય હતું દસ લાખ ડોલર. વચલી આંગળી દ્વારા અશ્લીલ ચાળો દર્શાવતું તેમનું એક શિલ્પ ઈટાલીના મિલાન શહેરના સ્ટૉક એક્સચેન્જ આગળ મૂકાયું હતું, જેનું અધિકૃત શીર્ષક હતું ‘લવ’. પર્યાવરણવાદીઓએ આ શિલ્પની તોડફોડ કરી હતી. અવકાશી પદાર્થના આક્રમણથી પડેલા નામદાર પોપ અને ઘૂંટણીએ ઊભા રહીને પશ્ચાત્તાપ કરતા હીટલરનું શિલ્પ બનાવીને તેમણે અનેકોનું ધ્યાન આકર્ષ્યું હતું. આમ, પોતાની કૃતિઓ દ્વારા લોકોને અસ્વસ્થ કરવા માટે કેત્તીલાન જાણીતા છે. તેઓ સમાજના દંભ પર સીધો પ્રહાર કરે છે, જે એક જાગ્રત કલાકારનું લક્ષણ હોવું ઘટે.

આ ઘટના અને તેના પ્રત્યાઘાત અનેક અર્થઘટનોને ઉજાગર કરે છે. કળાજગતમાં અવારનવાર આ ચર્ચા ઉછળતી રહી છે. ‘કળા ખાતર કળા કે જીવન ખાતર કળા?’ની ચર્ચા જૂનીપુરાણી છે. ગુફાચિત્રોથી શરૂ થઈને ક્રમશઃ વિકસતી કળાએ અનેક સ્વરૂપ બદલ્યાં. ક્યારેક તેણે સત્તાધીશોને પડકાર્યા, ક્યાંક તેણે વંચિતોની વેદનાને વાચા આપી તો ક્યારેક ધનિકોની લાલસાને પણ સંતોષી. કળાના વિવિધ પ્રકારમાં અનેક ખેડાણ થયું, તેનાં શાસ્ત્રો રચાયાં, તે નિયમબદ્ધ થતી ગઈ. એમાં અનેક પરંપરાઓ રચાતી ગઈ અને તૂટતી પણ ગઈ. કેમ કે, કળા કદી નિયમોને આધીન રહી શકે નહીં.

સદીઓ સુધી વાસ્તવદર્શી કળાના નિરૂપણ પછી કળામાં આધુનિકતા પ્રવેશી, જે અગાઉની તમામ વિભાવનાઓનો ભાંગીને ભુક્કો કરી નાખતી હતી. ‘મોડર્ન આર્ટ’ખરેખર તો કળામાં એકધારા ચાલતા આવેલા વાસ્તવદર્શીપણાને પડકારતી હતી. આથી પ્રચલિત તમામ વિભાવનાઓને તેણે મરડી. તેને પગલે આમાં પણ કેવળ સનસનાટી સર્જવા માટે કૃતિઓ રચાય એવું બનવા લાગ્યું. ‘મોડર્ન આર્ટ’ના નામે કંઈ પણ અષ્ટમપષ્ટમ ચાલી જાય એવી માન્યતા પ્રચલિત થવા લાગી. અલબત્ત, આ બધું છૂટુંછવાયું હતું, છતાં એવા બનાવ બને ત્યારે તેને પ્રસિદ્ધિ એટલી બધી મળતી કે આવું જ સતત ચાલતું હોય એમ લાગે.

કળાકારના સાતત્યપૂર્વકના કામ અને તેની ગુણવત્તા અનુસાર તેની કૃતિની કિંમત નક્કી થવી જોઈએ તેને બદલે કળા રોકાણ માટેનું બજાર બન્યું. કૃતિઓ વસાવવાનો શોખ કેવળ ધનિકોને જ પોસાય એ ચલણ વધ્યું. ધનિકોને કેવળ પોતાની સંપત્તિના પ્રદર્શન સિવાય બીજા કશામાં રસ નથી હોતો એવી માન્યતાના આધારે કળાકૃતિઓનું મૂલ્ય નહીં, પણ તેની કિંમત અંકાવા લાગી. આની સામે પણ લાલબત્તી ધરવી કેટલાક કલાકારોને જરૂરી લાગી. અમુક કલાકારો વેચવા માટેની કૃતિ અને પોતાની સર્જકતા સંતોષવા માટેની કૃતિને અલગ પાડતા થયા.

આ બધામાં એક બાબત સામાન્ય રહી કે સાધારણ લોકો કળાથી વિમુખ થતાં ગયાં. તે આર્ટ ગેલરી, મ્યુઝિયમ વગેરેમાં કેદ થવા લાગી. સાચો કલાકાર અંદરથી સતત અસ્વસ્થ રહેતો હોય છે. આ અસ્વસ્થતા તેની સર્જકતાને ઉપકારક નીવડે છે. મૌરિઝીઓ કેત્તીલાન પોતાનાં શિલ્પ અને ઈન્સ્ટોલેશનમાં અનેક અવળચંડાઈઓ કરતા રહ્યા છે. વક્રતા એ છે કે આમ થાય ત્યારે વિવાદના કેન્દ્રમાં કૃતિઓ રહે છે, નહીં કે એ કૃતિઓ થકી ઉજાગર કરવા ધારેલો મુદ્દો. ‘કોમેડિયન’શીર્ષકથી સાચા કેળાને ટેપ વડે ચોંટાડીને તેમણે કરેલું ઈન્સ્ટોલેશન કદાચ કળાના નામે કંઈ પણ ચાલી જાય એ દર્શાવવાનો હશે, તો તેને ખાઈ જનાર વિદ્યાર્થીએ પોતે ‘ભૂખ્યો’છે એમ જણાવીને આખું ચક્ર પૂરું કર્યું છે એમ કહી શકાય. કળાકૃતિઓ વિશે આવી ચર્ચા થતી રહેવી જાઈએ, કેમ કે, કળા પણ સમાજનું અંગ છે. એ કંઈ અલગ ટાપુ નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top