હમણાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ થોડીક હિંમત એકઠી કરીને મોં ખોલ્યું અને કહ્યું કે, એ રાત્રે હાઈ કમાન્ડનો સંદેશો આવ્યો કે રાજીનામું આપો, અને સવારે મેં રાજીનામું ધરી દીધું.. ના તો હાઈ કમાન્ડે ખુલાસો કર્યો કે ના તો મેં પૂછ્યું. (તે.. હે.. વિજયભાઈ.. તમે ક્યાંથી પૂછી શકો..? કારણકે તમને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે જ તમે પૂછવાનો હક ગુમાવી દીધો હતો.) ભાજપમાં બે જ વ્યક્તિને બોલવાનો અધિકાર છે.. હા.. વિરોધીઓ ઉપર તૂટી પડવાનું હોય ત્યારે આખી ફૌજ તૈયાર રહે છે.. જે રીતે વિજયભાઈ રૂપાણીને રાતોરાત હાંકી કાઢવામાં આવ્યા એ રીતે તો આપણે આપણા ઘરમાં કામ કરતી કામવાળીને કે કારખાનામાં કામ કરતાં કારીગરને પણ કાઢી શકતા નથી.
ગુજરાતમાં કઠપૂતળીની જેમ કોને ક્યાં મૂકવા અને કાઢવા એનો દોરીસંચાર હાઈ કમાન્ડરના હાથમાં રહે છે.. કોંગ્રેસના પરિવારવાદને કાયમ હડફેટે લેતા ભાજપને પોતાના પક્ષનો વ્યક્તિવાદ દેખાતો નથી. પોતાના અઢાર વાંકા એવા ઊંટ અન્યો પર આંગળી ચીંધે એના જેવો ઘાટ છે. વચ્ચે ગુજરાતનું રાતોરાત સમગ્ર મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું. એટલે અબુધ એવાં ભક્તજનોએ એ પગલાને “માસ્ટર સ્ટ્રોક” ગણાવ્યો. હાઈ કમાન્ડને એટલું જ પૂછવું રહ્યું કે, જેમ ગુજરાતનું મંત્રીમંડળ રાતોરાત બદલી કાઢ્યું એમ યુ.પી. નું મંત્રીમંડળ બદલી બતાવો કે પછી “પોચું હોય ત્યાં જ આંગળી મુકાય.”
ભાષણજીવીઓ કહે છે કે, અમે સત્તા માટે નહીં સેવા માટે કામ કરીએ છીએ. સાંસદો અને વિધાયકોને કરોડો રૂપિયા આપી ખરીદવા અને અન્ય રાજકીય પાર્ટીઓને તોડીને રાતોરાત સત્તામાં આવવું, આ બધું “લોકસેવા” માટે જ તો થઈ રહ્યું છે. વળી પાછા સત્તાખરો એવું કહે છે કે, અમે વોટ બેન્કને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા નથી એટલે જ ગુજરાતમાં ડબલ એન્જિન એવી ભાજપ સરકારે “ઢોર નિયંત્રણ કાયદો” પાછો લેવો પડ્યો… ક્યાં સુધી પ્રજાને મૂર્ખ બનાવશો… તમારાં ગતકડાંઓને હવે પ્રજા સારી રીતે સમજી ગઈ છે.
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.