Comments

ડ્રગનો વહનમાર્ગ બની ગયેલા ગુજરાતમાં કંઇક લોકોને રાજકીય નશો ચડેલો છે

પેલા હિન્દી ફિલ્મના ગીતમાં આવે છે ને કે નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ…..છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નશીલાં પદાર્થોની હેરાફેરી વધી ગઇ છે. થોડા અઠવાડિયાં પહેલાં કચ્છના મુંદરા બંદરેથી ૨૧ હજાર કરોડની આંતરરાષ્ટ્રીય.કિંમતનો હેરોઇનનો જથ્થો પકડાયો હતો. તેનું ઇરાન અને અફઘાનિસ્તાન કનેકશન બહાર આવ્યું હતું. હવે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભળિયા પાસેથી ૩૧૫ કરોડની કિંમતનું ડ્રગ પકડાયું છે. તેનું પણ પાકિસ્તાન કનેકશન બહાર આવ્યું છે. આ તો પકડાયેલા ડ્રગની કિંમત છે,બાકી નહીં પકડાયેલા ડ્રગનો આંકડો કેટલો હશે એનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

સવાલ એ છે કે ઉડતા પંજાબ કહીને અત્યાર સુધી પંજાબને બદનામ કરાયું, પણ ગુજરાત હવે તો ખરા અર્થમાં ઝુમાતા ગુજરાત બનવા બેઠું છે. ગુજરાતમાં આટલી હદે નશીલી ચીજોની હેરાફેરી થતી હશે એની કલ્પના થઇ શકતી નહોતી. કોઇપણ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય, તેની સ્થાનિક સત્તાવાળાઓને જાણ ન હોય એવું માનવાને કોઇ કારણ નથી. તો પછી આટલા મોટા પ્રમાણમાં નશીલી ચીજોનું હેરાફેરી માટેનું ટ્રાન્ઝિટ પોઇન્ટ બન્યું હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. ઓથોરિટીની સાવ જાણ બહાર આવી મોટી હેરાફેરી થઇ શકે નહીં એવું કદાચ ગુજરાતની નવી નવેલી સરકાર નહીં સમજતી હોવાનો દેખાવ કરતી હોવાનું લાગતું હોય, પણ રાજ્યના સુજ્ઞ લોકો તેને જરા પણ માનવા તૈયાર નથી.

એનું એક કારણ એવું સમજાય છે કે નવી સરકારના માથે મોદી સાહેબની તલવાર ઝળુંબી રહેલી છે અને એના ડરમાં એ માથું નીચું રાખીને કામ કરતી હોવાનું દેખાડવા મચી પડેલી છે. જે નો-રિપીટને નામે બગાસું ખાતાં એમના મોંમાં સરસ મજાનું કેસરિયા પતાસું આવી ગયેલું છે, એવું એ પતાસું આવતીકાલે છીનવાઇ જશે એવો એમને પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે જ ભૂતકાળમાં આનંદીબહેન પટેલે સ્થાને નવી દિલ્હીથી મૂકાયેલા વિજયભાઇ રૂપાણી શપથ લેતાં વેંત એવી રટણા કરવા લાગ્યા હતા કે હું તો ટ્વેન્ટી-ટ્વેન્ટી ખેલવા આવ્યો છું. નાટકીય ઢબે રૂપાણી સાહેબ વિદાય થયા પછી તેમને સ્થાને આવેલા ભૂપેન્દ્રભાઇ પટેલ સ્વભાવે અને કાર્યશૈલીમાં પાકટ અને ઠરેલા જણાય છે.

તેઓ સામે ચાલીને જ કહી રહ્યા છે કે હું ટ્વેન્ટી-ટ્વેન્ટી ખેલનારો નથી, સ્વભાવે ઠંડો છું. કદાચ એમણે સઘળી ગરમી ગુજરાત ભાજપના સર્વેસર્વાને સોંપી દીધેલી લાગે છે. એટલે જ પાટીલભાઉ રાજ્યમાં જ્યાં પણ સભા સંબોધવા ઊભા થાય છે કે તરત કંઇક લાગતા વળગતાઓનાં મોતિયાં મરાઇ જાય છે. ગમે તેને ગમે ત્યારે ઝટકાવી નાખીને તેઓ કડપ જમાવી રહ્યા છે. મુખ્યમંત્રી નરમ છે ને પ્રદેશ પ્રમુખ કડક છે ને સાચું કહીએતો જ ગુજરાતમાં ભાજપવાળા ને ભાજપની બહારવાળા સખણા રહે એમ છે. થોડા દિવસ પહેલાં પાટીલભાઉએ વડોદામાં બરાબરનો ચીપિયો પછાડ્યો. ત્યાંના મેયરને જાહેરમાં લઇ નાખ્યા. નેતાઓને ઝટકાવવા અને કાર્યકર્તાઓને પંપાળવા એવો વ્યૂહ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સારી તાલમેલ સાથે જાળવી રહેલા લાગે છે.

કોંગ્રેસ સુષુપ્ત જણાય છે ને આમઆદમી પાર્ટી ગોવાના તેના એકમની કોઇ અસરકારક ઇસ્યૂની શોધમાં લાગે છે, ને છાપ એવી ઉપસી રહી છે કે એને હાલ કોઇ મોટો ઇસ્યૂ મળતો લાગતો નથી, પરંતુ  ભાજપ તો અત્યારથી જ ઇલેક્શન મોડમાં આવી ગયેલો લાગે છે. ૨૦૨૦નું વર્ષ ઇલેક્શન વર્ષ છે. મુખ્યમંત્રી નવા વર્ષના મિલન સમારંભોને નામે કાર્યકર્તા-સંપર્કને સઘન બનાવી રહ્યા છે. હમણાં એમણે તાપી જિલ્લાના કાર્યકરોને પોતે સામાન્ય- અદના કાર્યકર હોવાની અહેસાસ કરાવ્યો હતો, તો નર્મદા જિલ્લાના કાર્યકરોને તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીનું વર્ષ છે, એટલે કોઇની મોટી મોટી વાતોમાં આવી ન જતા. સવાલ એ થાય છે કે કાર્યકર્તાઓ બાપડા તો સળવા કાનના જ છે, કાચા કાનના તો નેતાઓ હોય છે. કાર્યકર્તાઓ પ્રજા અને સરકારની વચ્ચે બાપડા ભીંસાતા હોય એવા સીન ખડા થઇ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ પેટ્રોલ-ડીઝલ પરનો રાજ્યનો વેરો સાત રૂપિયા ઘટાડીને નવું અચરજ સર્જયું એનાથી કંઇક કાર્યકર્તાઓને ભાવવધારાને નામે લોકોની ગાળો ગાળો ખાવામાંથી થોડી રાહત જરૂર મળી છે, પણ સામાન્ય લોકોને એ જલદી સમજાતું નથી કે કેન્દ્ર સરકારે હજારો કરોડની રકમ પેટ્રોલ-ડીઝલ પરના વેરા થકી પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધા પછી એકાએક પેટ્રોલ-ડીઝલ પરની ડ્યૂટી પાંચ રૂપિયા કેમ ઘટાડી નાખી? ચાર-પાંચ પેટાચૂંટણીઓમાં હારી જવાથી કંઇ આવી પીછેહટ કરે એવી આ ભાજપ સરકાર નથી.

એટલે એવું પણ સમજાઇ રહ્યું છે કે જરૂર કંઇક ગરબડ છે, જેના થકી સરકાર ડરીને પેટ્રોલ-ડીઝલ સસ્તાં કરવા પ્રેરાઇ છે. માત્ર ઉત્તર પ્રદેશની ચૂંટણી જ કંઇ એને માટે પૂરતું કારણ નથી. એક અર્થઘટન એવું પણ થઇ રહ્યું છે કે જનાધારને ડગમગતો રોકવા માટે પેટ્રોલ-ડીઝલને સસ્્તાં કરાયાં છે. ગુજરાતમાં પણ બહુમતી મળવાના નશામાં નેતાઓ રાચી રહ્યા છે, ને અંદરખાને જૂના જોગીઓ અને સામાન્ય કાર્યકર્તાઓમાં ભાવવધારો, બેરોજગારી, ગુનાખોરી વગેરે ને કારણે ભાજપની સરકારની બગડી રહેલી ઇમ્પ્રેશનને જોતાં ઘણી દહેશત અને વિમાસણ છવાયેલી છે. નેતાઓ રાજકીય નશામાંથી સમયસર બહાર આવે એ હવે સમયનો તકાદો જણાય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top