Dakshin Gujarat

ચીખલીમાં એક જ પરિવારના ચારની અંતિમયાત્રા નીકળતા લોકો હીબકે ચઢ્યા

ઘેજ (Ghej): સોલધરા ઇકોપોઈન્ટ સ્થિત તળાવમાં બોટ પલટી જતા પાંચના મોત નીપજવાના બનાવમાં પોલીસે સંચાલક વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ચીખલીમાં એક જ પરિવારના બે બાળકો સહિત ચારની અંતિમયાત્રા નીકળતા શોકની કાલિમા ફેલાઈ જવા પામી હતી.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી રીતેશ ઘનશ્યામભાઈ સોની (રહે,જોષી મહોલ્લો, ચીખલી) રવિવારે અમદાવાદથી આવેલા તેમના બહેન, બનેવી, ભાણેજ સાથે સાંજે સોલધરા ઇકોપોઈન્ટ ફરવા ગયા હતા. આ દરમ્યાન તેઓ તળાવમાં બોટિંગ કરવા માટે બોટમાં સવાર થયા હતા અને તેમની સાથે 23 સહેલાણીઓ બોટમાં સવાર હતા. ત્યારે બોટ થોડે આગળ ગયા બાદ અચાનક પલ્ટી જતા સહેલાણીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી અને કેટલાક જેમ તેમ કરી પોતાની રીતે બહાર નીકળી ગયા હતા અને બાકીનાને બચાવવા માટે સંચાલક અશોકભાઈ સહિતના સ્થાનિકોએ ડૂબકી લગાવી હતી અને બહાર કાઢેલાઓને 108 દ્વારા ચીખલીની સ્પંદન અને અલીપોર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઉપરોકત દુર્ઘટનામાં ચીખલી જોષી મહોલ્લાના મેહુલ ઘનશ્યામભાઈ સોની (ઉ.28) અમદાવાદ ગોતાના રહેવાસી તેમના બહેન ક્રિશમા મિલનકુમાર સોની (ઉ.32) તથા ભાણેજ જેનીલ મિલનકુમાર સોની (ઉ.10 વર્ષ) તથા હેન્સી મિલનકુમાર સોની (ઉ.18 માસ) તથા સુરત બેગમપુરા વિસ્તારના ઇમ્સિયા મુર્તઝા કિનખાબવાલા (ઉ.6)ના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. ઉપરોકત કરૂણ બનાવમાં એક જ પરિવારના ભાઈ બહેન અને બે ભાણેજ મળી ચારના મોત નીપજયા હતા. ચીખલીમાં બે માસૂમ સહિતની ચારની અંતિમયાત્રા નીકળતા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

ઉપરોકત બનાવમાં પોલીસે સહેલાણીઓની સલામતી માટે કોઇ વ્યવસ્થા તથા સાધન સામગ્રી પણ ન રાખી અને ક્ષમતા કરતા વધુ સહેલાણીઓને બેસાડી સહેલાણીઓનું જીવનું જોખમ હોવા છતાં બેદરકારી દાખવી હોવા અંગેનો સંચાલક અશોકભાઈ ભગાભાઈ પટેલ (રહે, સોલધરા, ટેકરી ફળિયુ, ચીખલી) સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. જેની વધુ તપાસ પીઆઈ ડી. કે. પટેલ કરી રહ્યા છે. આજે એફએસએલના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત કરી જરૂરી નમૂના લેવાની તજવીજ હાથ ધરી હતી.

હડતાળ પર હોવા છતાં આરોગ્ય વિભાગના સ્ટાફે માનવતા દાખવી ફરજ પર આવ્યા

સોલધરાની દુર્ઘટનાને પગલે રાત્રિ દરમ્યાન હોસ્પિટલમાં ધારાસભ્ય નરેશ પટેલ, ભાજપના મહામંત્રી ડો. અશ્વિન પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ મયંક પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ સહિતનાઓ ઘસી આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે આજના તમામ કાર્યક્રમો પડતા મૂક્યા હતા. વધુમાં આરોગ્ય વિભાગનો સ્ટાફ હડતાળ પર હોવા છતાં માનવતા દાખવી રાત્રિ દરમ્યાન ફરજ પર આવ્યા હતા અને રેફરલ ઉપર રાત્રિ દરમ્યાન જે પીએમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.


સલામતીની વ્યવસ્થાના અભાવે દુર્ઘટના સર્જાઇ

સોલધરાના ઇકોપોઈન્ટ ખાતે પ્રકૃતિને માણવા આવતા પ્રવાસીઓ માટે તમામ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને સંચાલક અશોકભાઈ શાળાના વિદ્યાર્થીઓ તથા અન્ય પ્રવાસીઓ સમક્ષ મધમાખી અને સાપ જેવા જાનવરોનું નિદર્શન કરી તેનું મહત્વ અને ઉપયોગીતા વિશે સમજણ આપતા હોય છે. તળાવમાં બોટ પણ ઇકો ફ્રેન્ડલી બનાવી તેના માટે કે ટ્રી-હાઉસ માટે પણ કોઇપણ જાતની ફી વસુલાતી નથી અને ફી નહીં લેવાતી હોય વેપાર નહીં કરાતો હોય તેવામાં સ્યંયભુ સંચાલન થતુ હોવાથી કોઇ વ્યવસ્થા પણ નહીં હોવાથી સલામતીની વ્યવસ્થાના અભાવે આ પ્રકારની દુર્ઘટના સર્જાઇ છે. ઉપરોકત દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બારેક જેટલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top