Madhya Gujarat

આણંદમાં પાવર ઓફ એટર્નીનો ખોટો ઉપયોગ કરી જમીન વેચી દીધી

નડિયાદ: આણંદના બે વિધર્મી ભાઈઓએ એક ખેતમજુર પરિવારને તેમની જમીનમાં જે કંઈપણ ખામી હશે તે દૂર કરી આપવાની અને તે બાદ જમીનમાં સોસાયટી બનાવી, મકાનો વેચવાની લોભામણી સ્કીમ આપ્યાં બાદ, શરતફેર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. દરમિયાન આ બંને વિધર્મી ભાઈઓએ ખેતમજુર પરિવારની જાણ બહાર પાવરઓફ એટર્નીનો ખોટો ઉપયોગ કરી, તેમની જમીન બારોબાર વેચી નાંખી છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતાં ખેતમજુર પરિવાર બંને વિધર્મી ભાઈઓ પાસે જમીનના રૂપિયા માંગવા ગયાં હતાં.

તે વખતે તેઓએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી, કાઢી મુક્યાં હતાં. આ મામલે આણંદ ટાઉન પોલીસે બંને વિધર્મી ભાઈઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ શહેરના સામરખા ચોકડી નજીક આવેલ સાંભોળપુરા સીમમાં સર્વે નં 2615/3/1, ખાતા નં 820 વાળી જમીન પ્રવિણભાઈ મોહનભાઈ સોલંકી અને તેમના પિતરાઈભાઈ અશોકભાઈ (રહે.સંદેસર, તા.આણંદ) ને પોતાના બાપદાદા તરફથી વારસામાં મળી હતી.

થોડા વર્ષો અગાઉ બંને પિતરાઈભાઈઓ પોતાના પરિવાર સાથે સંયુક્ત માલિકીની આ જમીનમાં જ રહીને, ખેતી કરતાં હતાં. દરમિયાન સન 2015 ની સાલમાં અશોકભાઈ શહેરમાં જ રહેતાં ઈલ્યાસભાઈ હાઝી ગનીભાઈ વ્હોરા અને તેના ભાઈ સત્તારભાઈ ગનીભાઈ વ્હોરા (રહે.સંદલીપાર્ક સોસાયટી, ટી.બી હોસ્પિટલ પાછળ, આણંદ) ના સંપર્કમાં આવ્યાં હતાં. તે વખતે આ બંને વિધર્મી ભાઈઓએ તમારી જમીનમાં જે કંઈપણ ખામી હશે તે દૂર કરી આપવાની અને તે બાદ જમીનમાં સોસાયટી બનાવી, મકાનો વેચવાની લોભામણી સ્કીમ અશોકભાઈ જણાવી હતી.

જે બાદ આ બંને વિધર્મીભાઈઓ બીજી વખત અશોકભાઈ અને તેમના પિતરાઈભાઈ પ્રવિણભાઈને મળ્યાં હતાં અને અમે તમારી જમીન નવી શરતમાંથી જુની શરત કરી આપીશું, પરંતુ અમે જ્યાં કહીએ ત્યાં તમારે તમારા ડોક્યુમેન્ટ સાથે લઈને, સહી-અંગુઠા કરવા આવવું પડશે, આ જમીન ચોખ્ખી કરવા માટે જે ખર્ચ થશે તે અમે કરીશું અને તમારી જમીન ચોખ્ખી કરીને વેચાણ કરી આપીશું,

તમારા ભાગમાં જે રૂપિયા આવે તે રૂપિયા પણ તમને આપી દઈશું તેવું જણાવ્યું હતું. જેથી અશોકભાઈ અને પ્રવિણભાઈને આ બંને વિધર્મીભાઈઓ ઉપર વિશ્વાસ બેઠો હતો. જેના થોડા દિવસો બાદ આ બંને વિધર્મીભાઈઓએ અશોકભાઈ, પ્રવિણભાઈ તેમજ જમીનમાં નામ ધરાવતાં તેમના અન્ય પરિવારજનોને આણંદ સેવા સદન ઓફિસની બહાર બોલાવ્યાં હતાં અને તમારી જમીનનો સારો ભાવ આવશે, તમે ચિંતા કરશો નહીં, અમારા ઉપર વિશ્વાસ રાખજો, અમે તમને દગો કરીશું નહીં, આ જમીન વેચવા માટેની બધી વ્યવસ્થા કરી આપીશું અને ગ્રાહક પણ શોધી આપીશું તેવી વાતો કરી એક કાગળ પર દરેકના અંગુઠા કરાવી, ડોક્યુમેન્ટ લીધાં હતાં.

જે બાદ પણ આ બંને વિધર્મીભાઈઓએ તમારી જમીન લઠ્ઠાવાળી હોવાથી ફરીથી અમે કહીએ ત્યાં તમારે સહી-અંગુઠા કરવા આવવું પડશે તેવું જણાવ્યું હતું.કાગળમાં પરિવારના દરેક સભ્યોની સહી કરાવી લીધાં બાદ, બંને વિધર્મી ભાઈઓએ છુટક-છુટક કરીને 5-6 લાખ રૂપિયા પ્રવિણભાઈ, અશોકભાઈ અને તેમના વારસદારોને આપ્યાં હતાં. જેના થોડા સમય બાદ અશોકભાઈની માતા બિમાર પડ્યાં હતાં. તે વખતે અશોકભાઈએ આ બંને વિધર્મી ભાઈઓ પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, તેઓએ અમારી પાસે રૂપિયા નથી, જમીન કે મકાન વેચાશે ત્યારે રૂપિયા આપીશું તેવું જણાવી રૂપિયા આપ્યાં ન હતાં.

Most Popular

To Top