Editorial

સૌર વિજળી દુનિયા માટે મોટો આશીર્વાદ પુરવાર થઇ શકે છે

ભારતે હાલમાં યોજાયેલી વૈશ્વિક હવામાન પરિષદ કોપ૨૬ ખાતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ(ઓસોવોગ) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, જેનો હેતુ જયાં સૂર્ય પ્રકાશ વધુ મળતો હોય તેવા પ્રદેશોમાં વધુ પ્રમાણમાં સૌર વિજળીનું ઉત્પાદન કરીને તેને વધુ જરૂરિયાત વાળા વિસ્તારો સુધી પહોંચાડવાનો છે. વિજળી ઉત્પાદન માટે વપરાતા અષ્મિજન્ય ઇંધણોને કારણે સર્જાતા પ્રદૂષણ અને અણુ વિદ્યુત મથકોના જોખમોને જોતા આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ઇસા), ઇન્ડિયા પ્રેસિડેન્સી ઓફ ધ ઇસા અને યુકે કોપ પ્રેસિડેન્સીએ આ યોજના ખુલ્લી મૂકી હતી જેમાં સોલાર પાવર ગ્રીડના પ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્કની રચનાનું આયોજન છે.

આને ગ્રીન ગ્રીડ ઇનિશિયેટિવ – વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ(જીજીઆઇ-ઓસોવોગ) તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ ભારત અને યુકેની સરકારો ઇસા અને વર્લ્ડ બેન્ક ગ્રુપની સહાયથી આગળ કરી રહી છે અને તે આ બાબતમાં એક વૈશ્વિક સંગઠન બનાવવા માગે છે. આમાં જ્યાં સોલાર પાવરનું ઉત્પાદન વધુ થઇ શકે તેમ હોય તેવા દેશોમાં સૂર્ય વિજળીનું વધુ ઉત્પાદન કરીને આ વિજળી પાવર લાઇનો દ્વારા એવા દેશો કે પ્રદેશો સુધી પહોંચાડવાનું આયોજન છે કે જ્યાં સૂ્ર્યથી વિજળીનું ઉત્પાદન ઓછું કે નહીંવત થઇ શકતું હોય અને વિજળીની જરૂરિયાત વધારે હોય. આ પ્રોજેક્ટનો હેતુ કોલસા જેવા પ્રદૂષણકારી સ્ત્રોતો વડે કરવામાં આવતી વિજળી પરનું અવલંબન ઘટાડવાનો પણ છે.

આ પ્રોજેક્ટ લોન્ચ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર ઉર્જાને વેગ આપવા અને તેને વધુ પ્રચલિત બનાવવા વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડની પહેલની જરૂરિયાતની વાત કરી હતી અને કહ્યું હતું કે જો વિશ્વે સ્વચ્છ અને હરિત ભવિષ્ય તરફ જવું હશે તો આ એક ઘણો સારો ઉપાય છે. આ સૌર ઉર્જા કે સૌર વિજળી આજના સમયની તાતી જરૂરિયાત છે. ડીઝલ કે કોલસા જેવા ઇંધણો વડે ચાલતા પાવર જનરેટરો વડે વિજળીનું ઉત્પાદન કરવાથી ઘણુ પ્રદૂષણ વધે છે એ આપણે જાણીએ છીએ અને ચીનના કેટલાક રાજ્યોએ હાલમાં આ પ્રદૂષણને કારણે જ આવા થર્મલ પાવર હાઉસોના યુનિટો અમુક સમય બંધ રાખવાનું ફરમાન કર્યું હતું જેના કારણે પણ ચીનમાં વિજળી કટોકટી વકરી હતી. અણુ વિદ્યુત મથકોથી પ્રદૂષણ થતું નથી એમ કહેવાય છે પણ આવા વિદ્યુત મથકો ઘણા જોખમી છે. રશિયાની ચેર્નોબિલની દુર્ઘટના અને જાપાનમાં ધરતીકંપ વખતે ફુકુશીમા અણુમથકમાં સર્જાયેલ કટોકટી વખતે દુનિયાએ આ જોખમ જોઇ લીધું છે.

આ બધું જોતા આ સોલાર પાવર ગ્રીડનો વિચાર ખૂબ જ મહત્વનો છે અને સૌર વિજળીને વધુને વધુ વેગ આપવાની જરૂર છે જેથી સસ્તા ભાવે અને પ્રદૂષણ મુક્ત વિજળી વધુ પ્રમાણમાં વિશ્વને મળી રહે. આ પ્રોજેક્ટમાં ભારતની મહત્વની ભૂમિકા છે તે આપણા માટે ગૌરવની વાત છે. ઓસોવોગ પ્રોજેક્ટ લોન્ચ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન(ઇસરો) ટૂંક સમયમાં એક એપ્લિકેશન લોન્ચ કરશે જેના દ્વારા એ ગણતરી કરી શકાશે કે વિશ્વના કયા પ્રદેશમાં કેટલા સોલાર પાવરનું ઉત્પાદન થઇ શકે તેમ છે. ઇસરોનુ઼ં આ સાધન વિશ્વ માટે ખૂબ ઉપયોગી થઇ પડે તેમ છે અને સૌર વિજળી એ મોટો આશીર્વાદ સાબિત થઇ શકે છે.

Most Popular

To Top