આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં રવિવારના રોજ વરસાદની હેલી જોવા મળી હતી. સતત ચોથા દિવસે પણ વરસાદ શરૂ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આ વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખૂશ થઇ ગયા છે. જ્યારે શહેરીજનોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આણંદ શહેર અને જિલ્લામાં રવિવારના રોજ વરસાદે પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી હતી. છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદ મનમુકીને વરસ્યો છે. તેમાંય બોરસદમાં કટોકટીની સ્થિતિ ઉભી કરી હતી. આમ છતાં ચાલુ સપ્તાહે સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
રવિવારના રોજ બપોર સુધી વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. જે બીજા દિવસ સવાર સુધી સામાન્યથી લઇ મોટા ઝાપટામાં વરસતો રહ્યો હતો. જેના કારણે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. તો ક્યાંક રસ્તા પણ ધોવાઇ ગયાં હતાં અને ઉબડ ખાબડ રસ્તાના કારણે લોકો ફસડાઇ પડ્યાં હતાં. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં ગોઠણસભા પાણી ભરાયાં હતાં. પરંતુ આ વરસાદથી ખેતીને ફાયદો હોવાથી ખેડૂતો એકંદરે ખુશ દેખાતાં હતાં. આણંદ જિલ્લામાં સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ સોજિત્રામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. જ્યારે સૌથી ઓછો આંકલાવમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.