આણંદ: સોજીત્રા નગરપાલિકા 24 બેઠકમાં ભાજપને 15 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. સ્પષ્ટ બહુમત સાથે પાલિકામાં ભાજપના સભ્યોએ સત્તા સંભાળી હતી. સત્તા પક્ષના પાંચ સભ્યોએ એકાએક ભાજપ સંગઠનના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલિકાના વોર્ડ નં.1ના સભ્ય તથા ઉપપ્રમુુખ કલ્પનાબેન ઉમેશભાઈ મકવાણા, વોર્ડનં 2ના રાહુલભાઈ અશોકભાઈ, વોર્ડનં.3ના ઉન્નતીબેન ધર્મેશભાઈ રાણા, વોર્ડ નં.4ના જીગ્નેશભાઈ અશ્વિનભાઈ કા.પટેલ તથા વોર્ડ નં.5ના કોકીલાબેન લક્ષ્મણભાઈએ આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ તથા સોજીત્રા શહેર ભાજપ પ્રમુખને પોતાના રાજીનામા મોકલી આપ્યા છે.
જેમા જણાવ્યું છે કે ભાજપના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનું સૂત્ર દેશના વડાપ્રધાને આપેલ છે, જે સોજીત્રા નગરપાલિકામાં સાર્થક થતુ નથી. સોજીત્રા શહેર ભાજપના કેટલાક પૂર્વ પ્રમુખો તથા સંગઠનના કેટલાક સભ્યો દ્વારા અમારા ઉપર ખોટા આક્ષેપો કરી બદનામ કરવામાં આવે છે. જેને કારણે અમે ભાજપ સંગઠનના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપતા હોવાનું જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોજીત્રા પાલિકાના પાંચ સભ્યોનું પ્રાથમિક સભ્યપદેથી આપેલ રાજીનામાના મુદ્દાએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.