surat : સોશિયલ મીડિયા (social media) ના યુગમાં ફેસબુક (facebook) અને ઇન્સ્ટાગ્રામ (instagram) જેવા પ્લેટફોર્મ લોકોને નજીક તો લાવી રહ્યા છે પણ તેની સાથે છેતરપિંડીના બનાવમાં પણ એટલો જ વધારો કરવામાં મદદરૂપ થઇ રહ્યાં છે. શહેરમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવવી તથા બિભત્સ કમેન્ટ કરવી, ફોટો કે વીડિયો વાયરલ કરવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે. ત્યારે સાયબર ક્રાઈમ (cyber crime) પોલીસ લોકોને સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ ઉપર વધારે સચેત રહેવા સુચિત કરી રહી છે. સુરતમાં છેલ્લા એક વર્ષમાં થયેલી ચોરીમાં જે તે ઘરોમાં રહેતા લોકો છે કે નહી તેની તપાસ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ થી ચોરોએ કરી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. ઇન્સટાગ્રામ અને ફેસબૂક પર માહિતી શેર કરવાનુ તમે આડકતરી રીતે લૂંટારૂ અને ચોરોને ઇન્વીટેશન આપતા હોવાનુ પોલીસનુ માનવું છે.
આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યૂટ્યૂબ, ટિકટોક જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપિંડી કરવા માટે ઘણા અસામાજિક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઘણા લોકોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર દિનચર્યા કે પછી બહાર ફરવા જતા હોય ત્યારે તમામ લોકેશન અને ફોટો શેર કરવાની આદત હોય છે. આવામાં અનેક હાઈટેક સાયબર ચોરો તમારી પ્રોફાઈલ પર નજર તાકીને બેઠા હોય છે. જે યુઝર્સની સંપૂર્ણ માહિતી મેળવીને રેકી કરી રાખતા હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. તેવી જ રીતે ફેસબુક પર પોતાની પ્રોડક્ટ વેચવા મુકીને ફ્રોડ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આવા સંજોગોમાં યુઝર્સે ડગલે ને પગલે સાવચેતી પૂર્વક સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ.
ફેક પ્રોફાઈલ આઈડી બનાવી થતા ક્રાઈમમાં વધારો
સોશિયલ મીડીયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડીયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વીડિયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ, બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી સાયબર બુલિંગ ફેક ન્યુઝ કે ખોટી અફવા ફેલાવવી ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી. તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વીડિયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવા જેવા અનેક ગુનાઓમાં છેલ્લા એકાદ વર્ષમાં વધારો થયો છે.