સુરત: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) જાહેર થતા જ તંત્ર સામેનો પ્રજામાં રહેલો છુપો રોષ બહાર આવવા માંડ્યો છે. સુરત શહેરના (SuratCity) પુણાગામ વિસ્તારમાં એક સોસાયટીના 200 મકાનમાં રહેતા રહીશોએ સુરત મનપા (SMC) સામે વિરોધ પ્રદર્શન (Protest) શરૂ કર્યું છે.
- સુરતના પુણા ગામની અમી પાર્ક સોસાયટીમાં વિરોધ, મહિલાઓ દ્વારા થાળી વગાડી નારેબાજી કરી વિરોધ કર્યો
- સોસાયટીમાંથી રોડ નીકળતા વિરોધ કરાયો, 200 મકાનો ના રહીશોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી
- રોડ બનાવવામાં સ્થાનિક આપના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, વર્ષોથી બનેલી સોસાયટીમાં અચાનક રોડ કઈ રીતે પાસ થયો, સ્થાનિકો અનેકોને રજુઆત કરી છતાં પરિણામ નહીં આવતા વિરોધ
આ સોસાયટીની મહિલાઓએ થાળી વગાડી, સૂત્રોચ્ચાર કરી આજે તા. 9 એપ્રિલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મહિલાઓએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. આ મહિલાઓ સોસાયટીમાંથી પસાર થતા રોડ સામે વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના પુણા ગામ વિસ્તારમાં અમી પાર્ક સોસાયટી આવેલી છે. અહીં 200 મકાન છે. આજે તા. 9 એપ્રિલની સવારે સોસાયટીની મહિલાઓ સોસાયટીની બહાર ભેગી થઈ હતી. થાળીઓ વગાડી સુરત મહાનગર પાલિકા હાય હાયના નારા પોકાર્યા હતા.
વિરોધ કરતી મહિલાઓએ કહ્યું હતું કે આ સોસાયટી લાંબા સમયથી છે. અત્યાર સુધી અહીં કોઈ રોડ ન હતો. એકાએક સોસાયટીમાંથી રોડ કાઢવામાં આવ્યો છે, તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અમી પાર્ક સોસાયટી વર્ષોથી બનેલી છે પરંતુ અચાનક જ સોસાયટીમાંથી રોડ પસાર થતાં તેઓનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો સોસાયટીમાંથી રોડ પસાર થાય તો મહિલાઓની સલામતી સામે પણ સવાલો ઉઠે છે અને બીજી બાજુ બાળકોને રમવાની જગ્યા પણ મળતી નથી. આ અંગે અનેકોવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી ઉકેલ આવ્યો નથી.
દરરોજ સંખ્યાબંધ વાહનો પણ પસાર થાય તો અકસ્માતનો પણ ભય રહે છે. જેથી સ્થાનિક મહિલાઓએ થાળીઓ વગાડી ભારે વિરોધ નોંધાવ્યો હતો. એકતરફ લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે બીજી તરફ પુણાગામમાં રહીશો દ્વારા કરવામાં આવેલો વિરોધથી વિવાદ સર્જાયો છે.