Editorial

Gen-Z માટે સોશિયલ મીડિયા જીવથી પણ વધુ વહાલું છે

એક સમય હતો કે જ્યારે માનવી કોઈપણ પ્રકારની સહાય વિના જીવતો હતો. જ્યારે માનવસૃષ્ટિનું સર્જન થયું ત્યારે માનવી પાસે કોઈપણ સાધનો નહોતા. જમીન પર સુવું અને ઝાડપત્તા ખાવા. ધીરેધીરે માનવી શીખતો ગયો. નવી નવી શોધ કરતો ગયો. નવી સુવિધા ઊભી કરતો ગયો. નવા સાધનો વસાવતો ગયો અને ધીરેધીરે એવા તબક્કે પહોંચ્યો કે જ્યાં તે રોબોટ બનાવીને યંત્રમાનવ પણ બનાવતો થઈ ગયો. જ્યારે કોઈ જ સુવિધા કે સાધનો નહોતા ત્યારે દરેક કામ માનવી જાતે જ કરતો હતો. જેમ જેમ સાધનો આવતા ગયા તેમ તેમ માનવી પાંગળો થતો ગયો. જ્યાં સુધી સાધનોનો યોગ્ય ઉપયોગ થાય ત્યાં સુધી તે યોગ્ય હોય છે પરંતુ જ્યારે તેનો વધુ પડતો ઉપયોગ થવા લાગે અને એક લત લાગી જાય ત્યારે ભયસ્થાનો ઊભા થવા માંડે છે.

શરૂઆતના સમયમાં માનવ લેન્ડલાઈન ફોનથી કામ ચલાવતો હતો. બાદમાં પેજર આવ્યા. ત્યારબાદ મોબાઈલ આવ્યા અને હવે સ્માર્ટ ફોન આવ્યા. સંદેશાવ્યવહારની આ સુવિધા વધી તો તેના પછી સોશિયલ મીડિયા પણ આવ્યું. જ્યાં સુધી સોશિયલ મીડિયા નહોતું આવ્યું ત્યાં સુધી માનવીના હાથમાં કશું નહોતું. પરંતુ સોશિયલ મીડિયાએ એક અલગ જ ઓળખ ઊભી કરી છે. જે તે વ્યક્તિ પોતાની ઓળખ અલગ બનાવતો થયો.  સાધનોનો ઉપયોગ પુખ્ત વયની એટલે અનુભવી વ્યક્તિ સંયમિત રીતે કરતો હોય છે પરંતુ યુવાવર્ગ માટે આ સાધનોનો ઉપયોગ અમર્યાદિત છે. જ્યારે તેના હાથમાંથી આ છીનવાઈ જતું લાગે ત્યારે તેનો વિરોધ ખૂબ જ આક્રમક હોય છે. નેપાળના વડાપ્રધાન પીકે ઓલી આ વાત ભૂલી ગયા. ઓલીએ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો અને અંતે પોતે ગાદી ગુમાવવી પડી. બની શકે છે કે ઓલીનો સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિચાર સારો હોય પરંતુ તેનો સ્વીકાર કરવા માટે જેન-ઝી તૈયાર નહોતી.

નેપાળમાં આ પ્રતિબંધ સામે આંદોલનો થયા. નેપાળના ઈતિહાસમાં આ આંદોલનો ઐતિહાસિક હતા. કારણ કે આટલા મોટા પ્રમાણમાં તોફાનો અને આગજની ક્યારેય થઈ નહોતી. શાસકો સામે આટલા મોટા પ્રમાણમાં રોષ ક્યારેય જોવા મળ્યો નહોતો. જ્યારે પણ યુવાનો આંદોલન કરે છે ત્યારે શાસકોએ ઝુકવું જ પડ્યું છે. ઓલીના કેસમાં પણ આવું જ થયું. સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જરૂર નથી પણ તેનો ઉપયોગ મર્યાદિત થાય તે જરૂરી છે. ખુદ જેન-ઝીમાં સમાવિષ્ટ યુવાઓએ આ વાત સમજવાની જરૂરીયાત છે. આજે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનને કારણે એવી હાલત થઈ રહી છે કે યુવાનો કામ કરવા માટે ધીરેધીરે નાલાયક સાબિત થઈ રહ્યા છે. આખો દિવસ મોબાઈલ પર રહેવાને કારણે આ વર્ગ પોતાની આવડત ગુમાવી રહ્યો છે. પોતાને મળતા લાભ ગુમાવી રહ્યો છે. 

આજે એવી સમસ્યા છે કે જ્યાં જુઓ ત્યાં સ્માર્ટફોન લઈને જ લોકો બેઠા હોય છે. નોકરી પર હોય કે ધંધા પર, સ્માર્ટ ફોન ચાલુ ના હોય તો જ નવાઈ હોય. ત્યાં સુધી કે સિક્યુરિટી ગાર્ડ પણ મોબાઈલમાં જ વ્યસ્ત હોય. જો આ દશા હોય તો પછી કહેવું જ શું?! ઓલીએ ખરેખર યુવાનોને સ્માર્ટફોનના મર્યાદિત ઉપયોગ માટે સમજાવવાની જરૂરીયાત હતી. યુવાનો પર ક્યારેય પ્રતિબંધોથી ઉકેલ આવ્યો નથી. માત્ર ઓલી જ નહીં પરંતુ આ સમયે આખી દુનિયામાં સ્માર્ટફોનના મર્યાદિત ઉપયોગ માટે એક ઝુંબેશ શરૂ કરવાની જરૂરીયાત છે. જો તેમ નહીં થાય તો યુવાનો ભવિષ્યમાં કામ કરવાને લાયક નહીં રહે તે નક્કી છે.

Most Popular

To Top